ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરતના મહિધપુરા વિસ્તારમાંથી એક કારમાંથી પોણો કરોડ રૂપિયા ઝડપાયા છે. કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ પણ મળી આવી છે. હાલ સમગ્ર મામલે EDને તપાસ સોંપાઈ છે.
સુરતમાં રૂપિયા ઝડપાવા મામલે ખુલાસો
કારમાંથી કોંગ્રેસની પત્રિકા પણ મળી આવી
આંગડિયા થકી આવી હતી રકમ, બે શખ્સોની અટકાયત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં નાણાકીય વ્યવહારો પર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે રોકડ સાથે બે શખ્સોની અટકાયત કરી છે. જ્યારે અન્ય એક ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. હાલ સમગ્ર તપાસ EDને સોંપવામાં આવી છે.
75 લાખ રૂપિયા સાથે 2 વ્યક્તિની ધરપકડ, 1 વ્યક્તિ ફરાર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના મહિધપુરા વિસ્તારમાં સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત કારમાંથી કોંગ્રેસના ચિહ્ન સાથેના VVIP પાર્કિંગ પાસ પણ મળી આવ્યા હતા. ઝડપાયેલી કારમાંથી કોંગ્રેસની પત્રિકા મળી આવતા મામલો ગરમાયો છે.
આ કારમાં કુલ ત્રણ ઈસમો સવાર હતા. જેમાંથી એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો. અન્ય બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. અધિકારીઓની પૂછપરછ કરવામાં આવતા ઝડપાયેલા બંને શખ્સોમાંથી એક ઉદય ગુર્જર દિલ્હીનો અને મહંમદ ફેજ સુરતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સંદીપ નામનો ફરાર શખ્સ કર્ણાટકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્રણેય ઈસમો RR આંગડિયા પેઢીમાંથી રૂપિયા લેવા આવ્યા હોવાનું અધિકારી સમક્ષ કબૂલ્યું છે.
આવકવેરા વિભાગ એ હજુ કોઈ ખુલાસો કર્યો નથી
વિધાનસભાની ચૂંટણી અગાઉ આટલી મોટી રોકડ રકમ મળી આવતા આવકવેરા વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત આ મામલે ઈડીને તપાસ સોંપવામાં આવી છે. હાલ ઝડપાયેલા ઈસમો કોના કહેવા પર આ રકમ લેવા ગયા હતા અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.