6 dilapidated schools run by Vadodara Corporation were closed
વડોદરા /
સંસ્કારીનગરીમાં જ્ઞાનના મંદિર જર્જરીત: 6 શાળાઓને તાળા મારવા પડ્યા, શું બંધ થતી શાળાઓ છે ગુજરાત મોડેલ?
Team VTV10:56 PM, 16 May 22
| Updated: 12:09 AM, 17 May 22
વડોદરામાં કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની 6 શાળાઓની ખસ્તા હાલત, શાળાઓ બંધ થઈ ત્યાં સુધી ક્યાં ઊંઘતું હતું તંત્ર
સ્માર્ટ શાળા કે ખંડેર શાળા?
વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મર્જ કરાયા
કરોડોની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થાય છે?
કેજરીવાલના દિલ્હીના મોડેલને હંફાવે તેવું ગુજરાતનું શિક્ષણ મોડેલ છે. આવા દાવાઓ વચ્ચે આજે સંસ્કારી નગરીમાં સરકારની પોલ ખુલી ગઈ.. કારણ કે, અહીં સ્માર્ટ શાળાની વાતો તો દૂર પરંતુ 6 શાળાઓ ખંડેર બની જતાં બંધ કરવાની જરૂર પડી છે.
સંસ્કારીનગરીમાં ખંડેર શાળા! નવી બનવાની જગ્યાએ બંધ થઈ રહી છે શાળા!
અહીં કેજરીવાલ મોડેલની વાત નથી કરવી પરંતુ દ્રશ્યોમાં દેખાતી ગુજરાતની ખંડેર શાળાની વાત કરવી છે. અહીં ખંડેર છે તે તો જોઈ શકાય છે.પરંતુ સ્માર્ટ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, સ્માર્ટ શાળાના દાવાઓ ખુબ થાય છે. પરંતુ સંસ્કારીનગરી વડોદરામાં તે દાવાઓ ખોખલા સાબિત થયા છે. કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની 6 શાળાઓ જર્જરીત થઈ જતાં બંધ કરવાની જરૂર પડી છે. જ્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. સંસ્કારી નગરીમાં આ રીતે શિક્ષણની સ્થિતિ કથડતા આક્ષેપો પણ ઉઠવા લાગ્યા છે..
શું સરકારી શિક્ષણ ખતમ કરવા માગે છે મનપા?
આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે. કારણ કે, વડોદરામાં શિક્ષણ સમિતિની 120 સ્કૂલો છે. જેમાં 34 હજારથી વધું વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 972 જેટલા શિક્ષકો કાયમી છે.. જ્યારે હજૂ 180 જેટલા શિક્ષકોની ઘટ છે. એટલું જ નહીં ગત વર્ષે 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ થઈ ગઈ. પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ એકપણ નવી શાળા બનાવવામાં ન કરાયો. જેના કારણે શાળાઓ આજે પણ જર્જરીત હાલતમાં ઉભી છે. જેને જોતા પણ તમને ડર લાગશે.કારણ કે, ખંડેર સિવાય કાંઈ નથી.
VTV ગુજરાતીના સવાલ?
અહીં સવાલ એ થાય છે કે, સ્માર્ટ સિટી અને સ્માર્ટ ક્લાસની વાતો વચ્ચે જર્જરીત શાળાઓ ક્યાંથી આવી? શું આ જર્જરીત શાળાઓને સ્માર્ટ શાળા ગણે છે પદાધિકારીઓ? શું શિક્ષણ મંત્રી આ બંધ કરવામાં આવેલી શાળાઓને ગુજરાત મોડેલ કહે છે? કેમ કરોડો રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ થઈને જતી રહે છે? કેમ લેપ્સ થતી ગ્રાન્ટનો શાળા બનાવવામાં ઉપયોગ નથી થતો? બંધ કરવામાં આવેલી શાળાઓ કયારે નવી બનશે? સવાલો તો અનેક છે. પરંતુ મુદ્દો અંહીં ખંડેર હાલતમાં બંધ પડેલી શાળાઓનો છે.. ત્યારે જોવાનું એ રહેશે કે, ગુજરાત મોડેલ વાતો કરતા શિક્ષણમંત્રી આ બંધ થતી શાળાઓને સ્માર્ટ સ્વરૂપ આપી ફરી ઊભી કરશે.