બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'અંજારની પ્રિંજલ', પાલનપુરમાં દક્ષા બનીને જન્મી', 4 વર્ષની ટેણીને યાદ આવ્યો પોતાનો આગલો ભવ
Last Updated: 09:08 PM, 23 June 2024
પુનઃજન્મમાં માનવું કે ન માનવું તે અંગત વિષય છે પરંતુ ઘણી વાર પુનઃજન્મના એવા કિસ્સાં સામે આવી જતાં હોય છે કે માન્યે જ છૂટકો ! બનાસકાંઠાનું નાનકડું એવું ખસા ગામ ચર્ચાની ચગદોળે ચઢ્યું છે ને ચઢેજ ને કારણ કે અહીં પુનઃજન્મનો એક ભેદભરમવાળો કિસ્સો સામે આવ્યો છે. ખસાની ટેણી દક્ષાએ પોતાના પુનઃજન્મને લઈને જે દાવા કર્યાં છે તે ભારે કૌતૂકનો વિષય બન્યો છે અને ઘડી ભર વિચારતાં કરી મૂકે શું ખરેખર માનવીનો પુનઃજન્મ થતો હશે.
ADVERTISEMENT
સાડા ચાર વર્ષની દક્ષા ઠાકોરનો પુનઃજન્મનો દાવો
બનાસકાંઠાના ખસા ગામમાં ખેત મજૂર જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દક્ષા નામની બાળકીએ પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધાં છે. દક્ષા 3 વર્ષની ઉંમરમાં હિંદીમાં કડકડાટ વાતો કરવા લાગી હતી અને કહેવા લાગી હતી કે તેનો આ ફરી જન્મ થયો છે. આગલા ભવમાં તે કચ્છના અંજારમાં રહેતી હતી અને તેનું નામ પ્રિંજલ હતું અને ભૂંકપમાં ઘરનું ધાબૂ પડી જતાં દટાઈ જવાને કારણે તેનું મોત થયું હતું. સ્કૂલેથી ઘેર પાછા આવતી આ ઘટના બની હોવાનું પણ તેનું કહેવું છે.
ADVERTISEMENT
પાણી જોઈતું હોય તો બોલતી કે 'માં મુજે પાની દે'
ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જ જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની સાડા ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરવા લાગી હતી. દાખલા તરીકે પાણી જોઈતું હોય તો બોલતી કે માં મુજે પાની દે, શરુઆતમાં તો બધાએ આંખ આડા કાન કર્યાં પરંતુ તેની હિંદીમાં વાતો ચાલુ રહેતા માતાપિતાએ પૂછતાં તેણે પુનઃજન્મનું રહસ્ય ખોલી નાખ્યું હતું.
દક્ષાના માતા-પિતા શું બોલ્યાં
દક્ષા તેના ભાઈ બહેન સાથે ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં જ વાત કરતી હતી. પિતા જેતાજી ઠાકોર અને માતા સહિતના ઘરનાને ભારે નવાઈ લાગતી દક્ષાના પિતા જેતાજીનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને ખૂબ નવાઈ લાગતી પરંતુ શરુઆતમાં અમે ધ્યાન નહોતા આપતાં પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછતાં તેણે કહ્યું હતું કે અંજારના ભૂકંપમાં તેનું મોત થયું હતું. માતાપિતા દ્વારા પૂછવામાં આવતાં દક્ષાએ કહ્યું કે ભગવાને તેને અહીં મોકલી છે અને તે કચ્છના અંજારમાં રહેતી હતી અને તેનું નામ પ્રિંજલ હતું, તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે સ્કૂલેથી ઘેર આવતાં ધાબુ પડતા તે મરી ગઈ હતી. દક્ષાએ કહ્યું કે તેના પિતા બેકરીમાં કામ કરતા હતા અને લાલ કલરના કપડાં પહેરતા હતા તો માતા ફુલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી અંજારમાં તેનું મકાન પણ હતું અને માતાપિતા તેને બહુ પ્રેમ કરતાં હતા.
આગલા જન્મવાળા ઘેર જવા માગતી નથી
દક્ષાને હવે અહીંયા ગોઠી ગયું છે અને તેના પહેલા જન્મવાળા ઘેર અંજારમાં જવા માગતી નથી પરંતુ ખાસ વાત એ છે કે દક્ષાને તેના આગલા જન્મના માતા-પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતી હતી તે વિશે કોઈ સ્મરણ નથી. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં કૌતુક જગાવ્યું છે.
માતાપિતાનું નામ આપે તો તપાસ કરીએ-દક્ષાના પિતા
જેતાજીનું કહેવું છે કે કોઈ કુદરતનો સંકેત હશે કે તેનો પુન:જન્મ છે કે નહીં તે ભગવાન જાણે પરંતુ જો તેના આગળના જન્મના માતાપિતાનું નામ આપે તો અમે તપાસ કરીએ. દક્ષાની માતાએ કહ્યું કે દક્ષા સતત હિન્દી બોલતી હોવાથી મને કંઈ ગતાગમ પડતી નથી. માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે તે અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે.
શું બોલ્યાં વાલજી પટેલ
બાળકીના માતા પિતા વાલજીભાઈ પટેલનાં ખેતરે મજૂરી કામ કરે છે. વાલજીભાઈનું કહેવું છે કે 5 વર્ષની બાળકી સ્પષ્ટ હિન્દી બોલતી હોવાથી અને તેના પુન:જન્મની વાતો કરતી હોવાથી અમે અચરજમાં મુકાયા છીએ. અમારા ખેતરમાં ટીવી નથી મોબાઈલ નથી છતાં પણ બાળકી હિન્દી કેવી રીતે બોલે છે..અને કચ્છનાં અંજારની વાતો કરે છે જેનાથી ગામલોકો પણ પુન:જન્મ હોય છે કે નહીં તેને લઈને વિચારમાં મુકાયા છે ,જોકે બાળકીનું હિન્દી બોલવું એ પણ એક મોટો સવાલ છે ત્યારે ગામલોકો પણ આને ભગવાનની જ માયા ગણાવી રહ્યા છે.
વધુ વાંચો : દુષ્કર્મ કરવા અપહરણ કરીને બાળકીને વસ્ત્રાપુર તળાવ પાસે લાવ્યો, કૂતરા ભસતાં મૂકીને ભાગ્યો
પાલનપુરના મનોચિકિત્સકને દક્ષાની વાત સાચી લાગી
પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડો,દેવેન્દ્ર ચૌધરીને કહેવું છે પુન:જન્મ હોય જ છે અને આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો માહોલ ન હોવા છતાં પણ તે કડકડાટ હિંદી બોલે છે જે પુન:જન્મને સાબિત કરે છે. સરવાળે ડોક્ટર ચૌધરીનું કહેવું છે કે દક્ષાની વાત સાચી છે.
શું પુનઃજન્મ હોઈ શકે?
ધર્મગ્રંથો અને પુરાણોમાં પુનઃજન્મને સાચો ગણાવાયો છે. ત્યાં સુધી સિદ્ધ પુરુષો, યોગીઓ, જ્ઞાનીઓએ પણ આ વાતને સાચી ગણાવી છે. અવારનવાર આવા કિસ્સા સામે આવતાં હોય છે. પાલનપુરની દક્ષાએ જે દાવા કર્યાં છે તે ખોટા માનવાને કોઈ કારણ નથી કારણ કે બાળક સત્યને વરેલું હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.