ગયા વર્ષે દેશમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદી જોવા મળી હતી. તેમ છતાં ભારતીય બજારમાં ઘણી નવી કારર લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે નવા વર્ષમાં એટલે કે 2020માં કંપનીઓ મોટી સંખ્યામાં નવી કાર બજારમાં ઉતારશે. આમાં નવા મોડલ, વર્તમાન કારના ન્યૂ જનરેશન મોડલ અને ફેસલિફ્ટ મોડલ સામેલ છે. જેથી અહીં અમે તમને આ વર્ષે લોન્ચ થનારી ટોચની 5 ફેસલિફ્ટ (અપડેટેટ મોડલ) કાર વિશે જણાવી રહ્યા છીએ.
ટાટા નેક્સોન ફેસલિફ્ટ
ટાટા મોટર્સ તેની લોકપ્રિય એસયૂવી નવા અવતારમાં લાવી રહી છે. નેક્સોન ફેસલિફ્ટ પરીક્ષણ દરમિયાન ઘણી વાર જોવા મળી છે. નેક્સન ફેસલિફ્ટની ડિઝાઇન વર્તમાન મોડલ કરતા વધુ સ્ક્વેર લુકમાં છે. એસયૂવીના દેખાવમાં ઘણાં ફેરફાર થશે, જેમાં અપડેટેડ બમ્પર, હેડલેમ્પ્સ, ગ્રિલ અને નવું બોનેટ છે. નેક્સોન ફેસલિફ્ટમાં BS6 કમ્પ્લાયંટ 1.2-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો-ડીઝલ એન્જિન મળશે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ એએમટી ગિયરબોક્સ વિકલ્પ હશે.
મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ
મારુતિ બ્રેઝાનું ફેસલિફ્ટ મોડલ આ વર્ષે લોન્ચ થનારી બહુપ્રતિક્ષિત કારમાંની એક છે. બ્રેઝા ફેસલિફ્ટ ફેબ્રુઆરીમાં ઓટો એક્સ્પોમાં લોન્ચ થવાની સંભાવના છે. તેની ડિઝાઇનમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થશે. સાથે જ ક્રૂઝ કંટ્રોલ અને સનરુફ જેવી હાઇ-એન્ડ સુવિધાઓ સાથે એસયૂવીનું કેબિન પણ અપગ્રેડેડ હશે. બ્રેઝા ફેસલિફ્ટમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જ્યારે તે હાલમાં ફક્ત ડીઝલ એન્જિનમાં આવે છે.
ટાટા ટિયાગો ફેસલિફ્ટ
ટાટા મોટર્સ તેની એન્ટ્રી-લેવલ કાર ટિયાગોનું ફેસલિફ્ટ મોડલ લઈને આવી રહી છે. તેની ડિઝાઈનમાં ઘણાં ફેરફાર જોવા મળશે. તેનો ફ્રન્ટ લુક શાર્પ અને ટાટાની આગામી પ્રીમિયમ હેચબેક અલ્ટ્રૉઝ જેવો હશે. કારની કેબિનને નવો લુક આપવા માટે કંપની તેમાં નવી સીટ-અપહોલ્સ્ટ્રી ફેબ્રિક સહિત કેટલાક નાના ફેરફારો કરી શકે છે. અપડેટ થયેલા ટિયાગો મોડલમાં BS6 કમ્પ્લાયંટ 1.2-લીટર પેટ્રોલ એન્જિન હશે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ એએમટી ગિયરબોક્સ વિકલ્પ મળશે.
મહિન્દ્રા ટીયુવી 300 ફેસલિફ્ટ
મહિન્દ્રા આ કોમ્પેક્ટ એસયૂવીના ફેસલિફ્ટ મોડલનું પરીક્ષણ કરી રહી છે. TUV300 ફેસલિફ્ટ મોડલમાં નવી ગ્રિલ, નવા હેડલેમ્પ્સ અને રિવાઇઝ્ડ બમ્પર સહિતનો અપડેટ ફ્રન્ટ લુક મળશે. નવા ટેલલેમ્પ યુનિટ સાથે એસયૂવીની પાછળની બાજુ પણ કેટલાક ફેરફારો થશે. ટીયુવી 300ના ફેસલિફ્ટ મોડલમાં BS6 કમ્પ્લાયંટ 1.5 લિટર ડીઝલ એન્જિન મળશે.
મહિન્દ્રા બોલેરો ફેસલિફ્ટ
બોલેરો મહિન્દ્રાનું જબરદસ્ત લોકપ્રિય યુટિલિટી વાહન છે. ગ્રામીણ વિસ્તારોમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કંપની તેનું ફેસલિફ્ટ મોડલ લાવી રહી છે. અપડેટ થયેલા બોલેરોની ડિઝાઇનમાં થોડા ફેરફાર સાથે અપગ્રેડેડ ઈન્ટીરિયર અને બીએસ 6 કમ્પ્લાયનંટ ડીઝલ એન્જિન મળશે. બોલેરો ફેસલિફ્ટ એપ્રિલ પહેલાં લોન્ચ કરવામાં આવશે.