4-year -old boy who fell into over 90-feet-deep borewell in Rajasthan
રેસ્ક્યુ /
જાલોરમાં 90 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ બાળક 16 કલાકની જહેમત બાદ જીવતો બહાર નીકળ્યો
Team VTV02:31 PM, 07 May 21
| Updated: 02:34 PM, 07 May 21
રાજસ્થાનની ટીમને સફળતા ન મળતા ગુજરાતની NDRFની ટીમ ત્યાં પહોંચી
4 વર્ષનો અનિલ રમતાં રમતાં બોરવેલમાં પડ્યો
HDRF નિષ્ફળ જતાં ગુજરાતની NDRF ટીમ પહોંચી
ગામમાં રહેતા માધારામ સુથારે દેશી રીત અપનાવી બાળકને બહાર કાઢ્યો
4 વર્ષનો અનિલ રમતાં રમતાં બોરવેલમાં પડ્યો
જાલોર જિલ્લાના સાંચોર વિસ્તારના લાંછડી ગામમાં ગુરુવારે 90 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ 4 વર્ષના માસૂમ બાળક અનિલને છેવટે 16 કલાકની મહેનત બાદ જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. હાલ તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને તે એકદમ સ્વસ્થ છે. ફોટો દ્વારા જાણો કે કઈ રીતે તેની જિંદગી બચાવવામાં આવી.
જાલોર જિલ્લાના સાંચોર વિસ્તારના લાંછડી ગામમાં રહેતા નગારામ દેવાસીનો ચાર વર્ષનો પુત્ર અનિલ બહાર રમતા રમતા લગભગ સવારે 10 વાગ્યે હમણાં જ ખોદવામાં આવેલ 90 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. ઘટનાનાં સોળ કલાક બાદ ગુરુવારે રાત્રે 2.30 વાગ્યે NDRF, HDRF અને ગ્રામજનોની અથાગ મહેનત બાદ અનિલને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે અનિલને બહાર કાઢવા માટે બધી જ આધુનિક ટેકનોલોજી કામમાં ન આવતા છેલ્લે દેશી પધ્ધતિ અપનાવી બહાર કાઢ્યો હતો.
HDRF નિષ્ફળ જતાં ગુજરાતની NDRF ટીમ પહોંચી
સૌથી પહેલા સ્થાનિક HDRFની ટીમ ઘટના સ્થળ પર આવી હતી, પણ તેમના દ્વારા કરવામાં આવેલા બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. અને ઘટનાનાં લગભગ 8 કલાક બાદ ગુજરાતની NDRF ની ટીમ પહોંચી ગઈ હતી. પણ તેમના તમામ પ્રયાસો કરવા છતાં પણ અનિલ બહાર આવી શકયો નહીં. છેવટે બધાએ ભેગા મળી, દેશી નુસખો અપનાવી અનિલને હેમખેમ બહાર કાઢ્યો હતો. હાલ અનિલ હોસ્પિટલમાં એકદમ સ્વસ્થ છે. પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર છે.
ઘટનાની જાણ થતાં જ સાંચોરનાં એસડીએમ ભૂપેન્દ્ર યાદવ, એડિશનલ એસપી દશરથ સિંહ અને ચિકિત્સા વિભાગની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે તરત જ બોરવેલમાં કેમેરા નાખી અનિલની સ્થિતિ જાણી અને ઓક્સિજન આપવાની પ્રક્રિયા શરૂ કરી. સાથે જ પાણી પણ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી તે બોરવેલમાં જીવિત રહે. અને પછી બધા જ ગામ વાળા ભેગા થઈ ગયા હતા.
ગામમાં રહેતા માધારામ સુથારે દેશી રીત અપનાવી બાળકને બહાર કાઢ્યો
રાત સુધીના પ્રયાસોમાં અસફળ રહ્યા બાદ ભિનમાલ ગામમાં રહેતા માધારામ સુથાર દ્વારા બનાવવામાં આવેલ દેશી જુગાડથી અનિલને બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જાલોરનાં કલેકટર નમ્રતા વૃષ્ણિ અને એસપી શ્યામ સિંહ અંતિમ ઘડી સુધી ત્યાં જ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નગારામ દેવાસી હમણાં જ આ બોરવેલ બનાવડાવ્યો હતો. અનિલ ત્યાં ત્યાં રમતાં રમતાં ત્યાં પડી ગયો હતો, અને અનિલને અંદર પડતાં તેના પરિવારનાં એક સભ્યએ જોયો હતો.