થોડા સમયથી નવ યુવાનોમાં હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થવાના બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 23 દિવસમાં 4 લોકોના હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયા છે.
ગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં વધારો
23 દિવસમાં હાર્ટ એટેકની 4ના મોત
આજે પણ મોપેડ પર બેઠા બેઠા ઢળી પડ્યા આધેડ
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. અત્યારે કોઈ પણ ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 23 દિવસમાં હાર્ટ એટેકની 4 ઘટના સામે આવી છે. આ તમામ ઘટનામાં હાર્ટ એટેક આવનારા શખ્સોના મૃત્યુ થયા છે.
દમણના હોટલ સંચાલકનું હાર્ટ એટેકથી મોત
આજે સંઘપ્રદેશ દમણની હોટેલ સનરાઈઝના સંચાલક દિપક ભંડારીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. દીપક ભંડેરી બાઈક પર બેસીને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો છે. જેની ઘટના CCTVમાં કેદ થઇ છે. દમણના દેવકા તાઇવાડમાં રહેતા અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા 52 વર્ષીય દિપક ભંડારી તેમની જ હોટેલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને અન્ય લોકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેમના સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે દિપકભાઈને મૃત જાહેર કર્યા હતા.
મૃતક દીપક ભંડેરી
બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો નિલેશ ચાવડા
રાજકોટમાં કુદરકી હાજતે ગયેલા 23 વર્ષીય નિલેશ ચાવડાને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામાં નિલેશ બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો. ગત 16 માર્ચે કુદરતી હાજતે ગયેલા 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બાથરૂમનો દરવાજો ખખડાવતા નિલેશે દરવાજો ન ખોલતા દરવાજો તોડીને બહાર કઢાયો હતો. વહેલી સવારે મૃતકના પિતાએ દરવાજો તોડીને તેને બહાર કાઢ્યો હતો. સિવિલ હોસ્પિટલે ખસેડાતા તબીબે નિલેશને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મૃતક નિલેશ ચાવડા
જેતપુરની કોલેજના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
તો બીજી બાજુ જેતપુરની કોલેજના BCAના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીને લાયબ્રેરીમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામાં પ્રોફેસરનું મૃત્યુ થયું હતું. ગત 03 માર્ચે તેઓ કોલેજની લાઇબ્રેરીમાં હતા, ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેને લઈ સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે કર્મની કઠણાઇ કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક પ્રકાશ ત્રિવેદી
ચાની કીટલીના માલિક અચાનક ઢળી પડ્યા હતા
આવી જ રીતે અગાઉ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ચાનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને હાર્ટઅટેક આવ્યો હતો. જેના કારણે તેઓ લારી પાસે જ ઢળી પડ્યા હતા. આ ઘટના પણ CCTVમાં કેદ થઇ હતી. સયાજીગંજ વિસ્તારમાં વર્ષોથી ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમસ ચંદુલાલ નાથાણી (ઉં.વ. 48)ને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. માત્ર 10 સેકન્ડમાં તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ વિસ્તારમાં ગમગીની ફેલાવી દેવા સાથે ચકચાર જગાવી મૂકી હતી.