બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 people died due to unseasonal rains in the state
Malay
Last Updated: 09:00 AM, 19 April 2023
ADVERTISEMENT
ગુજરાતના માથેથી હજુય માવઠાનું સંકટ ટળ્યું નથી, રાજ્યમાં ભરઉનાળે કમોસમી માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરાવવામાં આવ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
ADVERTISEMENT
વીજળી પડવાથી 4 લોકોના મોત
રાજ્યમાં કમોસમી વરસાદની વચ્ચે વીજળી પડતાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામે વીજળી પડતા યુવકનું મોત થયું છે. સાથે જ છોટાઉદેપુર જિલ્લાના જનીયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું છે. તો સુરતના બારડોલીના બાબલા ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત સુરતના કામરેજના ડુંગર ચીખલી ગામે પણ વીજળી પડતા એક યુવકનું મોત થયું છે.
સુરત જિલ્લામાં એક જ દિવસમાં વીજળી પડતા 2ના મોત
મળતી માહિતી અનુસાર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન સુરત જિલ્લામાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. કામરેજના ડુંગર ચીખલી ગામ સીમમાં વીજળી પડી હતી. ત્રણ લોકો વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઊભા હતા. ત્યારે અચાનક વીજળી પડી હતી. તેમાં એક 21 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. તો સુરતના બારડોલી તાલુકાના બાબલા ગામે વીજળી પડતાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરૂચના આમોદમાં વીજળી પડતા યુવકનું મોત
ભરૂચના આમોદ તાલુકામાં પણ વીજળી પડતા એક યુવકનું મોત થયું હતું. આમોદના અનોર ગામે વીજળી પડતા 18 વર્ષના યુવકનું માતાની સામે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ભરૂરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરમાં ઝાડ નીચે ઉભેલી યુવતીનું મોત
છોટાઉદેપુરના જનીયારા ગામમાં વીજળી પડતા 21 વર્ષિય યુવતીનું કરૂણ મોત થયુ છે. વરસાદના કારણે યુવતી ઝાડ નીચે ઊભી હતા. આ દરમિયાન યુવતી પર વીજળી પડી હતી. જેમાં યુવતીનું મોત થયુ છે.
આજે આ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માવઠાની શક્યતા જણાઈ રહી છે. તો બીજી તરફ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાથો સાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.