નર્મદા જિલ્લાના નર્મદા અને કરજણ સિવાયના અન્ય બે ડેમો સાગબારા તાલુકાનો કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા છે. જેથી નર્મદા જિલ્લાના અંતરિયાળ ગણાતા ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતોમાં ખુશીનું મોજું ફળી વળ્યું છે.
કાકડીઆંબા ડેમ તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૬ મીટરે થતા 6 વર્ષ બાદ આ ડેમ પુનઃ છલકાયો છે. હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૨૧૧ કયુસેક પાણીની જાવક ચાલુ છે. કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૯.૩૭ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.
ચોપડવાવ ડેમ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે થતા ચોપડવાવ ડેમ બે વર્ષ બાદ પુનઃ છલકાયો છે, હાલમાં આ ડેમ 5 સે.મી.થી ઓવરફલો છે અને ડેમમાં ૧૫૦ કયુસેક પાણીની જાવક છે. આ ડેમમાં ૧૨.૦૭ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. હવે તાલુકાના કોડબા, ચપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી,ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા,કખાડી, મોરાવી, પાંચપીપરી, પટ,ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. આ અંગે કલેકટરએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વરસાદને કારણે આ બંને મધ્યમ ડેમ છલકાવાથી જિલ્લાના 34 ગામોને સિંચાઈ ને લાભ મળશે. જ્યારે કાકડીઆંબા ડેમ 6 વર્ષ બાદ છલકાતા ખુબજ ખુશી છે અને ખેડૂતો ને સિંચાઈનો સારો લાભ મળી શકશે.