બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 30 years after Kashmiri exodus kashmiri pandits are still waiting to settle back in their homeland

VTV વિશેષ / કાશ્મીરી પંડિતોની ‘ઘરવાપસી’: વાતો બહુ થઈ હવે કંઈક નક્કર કામગીરી કરીએ

Shalin

Last Updated: 07:06 PM, 25 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ કેન્દ્રની મોદી સરકાર પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. એક સમયે આતંકની ઓળખ બની ગયેલા કાશ્મીરમાં હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે અને જનજીવન વ્યવસ્થિત ગતિએ ચાલી રહ્યું છે ત્યારે હવે સૌથી પહેલું કામ કાશ્મીરી પંડિતોની ‘ઘરવાપસી’નું થવું જોઈએ એવી માગણી જોર પકડી રહી છે.

  • કાશ્મીરી પંડિતોને હવે ઠાલાં આશ્વાસનોથી દિલાસો આપવાના દિવસો ગયા 
  • હવે તો તેમના પુન:વસવાટ સાથે જ કાશ્મીરને સ્વર્ગ બનાવવું પડશે

૧૯ જાન્યુઆરીએ પોતાના જ દેશમાં ‘શરણાર્થી’ બનીને જીવતા કાશ્મીરી પંડિતોના ‘વનવાસ’ના ૩૦ વર્ષ પૂર્ણ થયાં. આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં એક કાશ્મીરી પંડિતે બહુ હ્રદયદ્રાવક વાત કહી કે, ભગવાન રામનો વનવાસ પણ ૧૪ વર્ષે તો સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ આજે ૩૦ વર્ષ બાદ પણ હજુ આમારા પુન:વસવાટની અમે રાહ જોઈ રહ્યા છીએ. જે લોકો કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીરમાં વસાવવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેમના ગાલ પર આ વાત સણસણતો તમાચો છે. 

કાશ્મીરી પંડિતો (Source : Wikipedia)

કાશ્મીરી પંડિતોની પીડા સમજ્યા વિના કે એ કાળી હકીકતો જાણ્યા વગર કોઈ તેમની ઘરવાપસીનો વિરોધ આખરે કઈ રીતે કરી શકે? આ દિશામાં વાતો તો ઘણાં વર્ષોથી થઈ રહી છે, પણ હવે સમય કંઈક નક્કર કામગીરી કરી દેખાડવાનો છે. કાશ્મીરી પંડિતોને હવે ઠાલા આશ્વાસનોથી દિલાસો આપવાના દિવસો ગયા, હવે તો તેમના પુન:વસવાટ સાથે જ કાશ્મીરને સ્વર્ગ બનાવવું પડશે.

કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટીનો ઈતિહાસ લોહિયાળ અને હચમચાવી દેનારો છે. હકીકતમાં જ્યારે ભારત સ્વતંત્ર થયું  તે સમયે કાશ્મીર પરના અધિકારને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જેવી સ્થિતિ સર્જાઈ. પાકિસ્તાને કાશ્મીરને પોતાનો હિસ્સો બનાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેને નિષ્ફળતા જ મળી. બાદમાં પાકિસ્તાને આતંકની મદદથી કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે ૧૯૮૦ના દાયકા સુધીમાં તો કાશ્મીરમાં ભારત વિરોધી પ્રદર્શનો નોંધપાત્ર રીતે વધવાં લાગ્યાં.

૧૯૮૦ના દાયકામાં જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) અને પાકિસ્તાનનાં સમર્થક કેટલાંક ઈસ્લામવાદી જૂથો મજબૂત થવાં લાગ્યાં અને આ જૂથોએ અહીંના મુસ્લિમોમાં દેશ પ્રત્યે નફરત ફેલાવવાનું કામ બહુ ઝડપથી કર્યું. જેની સીધી અસર અહીંના કાશ્મીરી પંડિતો પર પણ થવા લાગી.

૧૯૮૮માં જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રન્ટે કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવા માટે અલગતાવાદી બળવો શરૂ કર્યો. આ બળવાને કારણે ૧૯૮૯માં ટિકાલાલ તપલુ નામના એક કાશ્મીરી હિન્દુની હત્યા કરી નાખવામાં આવી. ટિકાલાલ જાણીતા નેતા હતા, જેનો સંબંધ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે હતો.

આ હત્યાને કારણે કાશ્મીરી પંડિતોના સમુદાયમાં ડર ફેલાવા લાગ્યો અને આ સમુદાયના લોકો અસુરક્ષા અનુભવવા લાગ્યા. ૪ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ કાશ્મીરના ઉર્દૂ અખબારોમાં આતંકી સંગઠન હિઝ્બ-ઉલ-મુજાહિદ્દીન દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં હિઝ્બ-ઉલ-મુજાહિદ્દીને તમામ કાશ્મીરી પંડિતોને તાત્કાલિક ઘાટી છોડીને જતા રહેવાનો આદેશ આપ્યો હતો. આ જાહેરાતમાં લખ્યું હતું કે, કાં તો કાશ્મીર છોડી દો અથવા ધર્મ બદલી નાંખો, નહીં તો મરવા માટે તૈયાર થઈ જાઓ. આ ધમકીભરી જાહેરાત ઘણા લાંબા સમય સુધી અખબારોમાં પ્રકાશિત કરવામાં આવી, જેથી પંડિતોનાં દિલમાં ડર બની રહે. એ સાંજ ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ની હતી. કાશ્મીર કાતિલ ઠંડા પવનોમાં ઘેરાયેલું હતું. ઘાટીમાં જિંદગીની ગતિ સામાન્ય હતી. અચાનક એ સાંજે એક ફરમાન જારી થયું. લાઉડ સ્પીકર અને ભીડભાડવાળી ગલીઓમાં જાહેરાત થવા લાગી કે, ‘રાલિવ, તસ્લિમ યા ગાલિવ.’ (કાં તો ઈસ્લામ અંગિકાર કરો, અથવા કાશ્મીર ઘાટી છોડી દો, નહીં તો મરો).

જૈસે થે સ્થિતિમાં ઘર છોડી ચુકેલા કાશ્મીરી પંડિતના ઘરના ભગ્ન અવશેષો (Source : Wikipedia)

કાશ્મીરી પંડિતો પર જ્યારે આ અત્યાચારો થઈ રહ્યા હતા, ત્યારે કેન્દ્રમાં વી.પી.સિંહની સરકાર હતી અને રાજ્યમાં ફારુક અબ્દુલ્લાની સરકાર હતી, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકારમાંથી કોઈએ પણ કાશ્મીરી પંડિતોની કોઈપણ રીતે મદદ કરી ન હતી.

સરકારી આંકડાઓ અનુસાર, ૧૯૯૦ સુધી કાશ્મીરમાં લગભગ ૧ લાખ ૭૦ હજાર પંડિતો રહેતા હતા, પરંતુ એવું કહેવાય છે કે હકીકતમાં આ આંકડો ઘણો વધારે હતો. લગભગ ત્રણ લાખ જેટલા કાશ્મીરી પંડિતો ઘાટીમાં રહેતા હતા. આ અંગેના સાચા આંકડાઓ પણ વર્ષો સુધી જાણીજોઈને છુપાવવામાં આવ્યા હતા.

Farooq Abdullah.jpg
કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટી સમયના મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લાહ (Source : Wikipedia)

કાશ્મીરી પંડિતોનું કાશ્મીરથી બહાર નિરાશ્રિત જીવન જીવવું એ કાશ્મીરિયત માટે સૌથી મોટું કલંક છે. એ કાશ્મીરિયતનો કોઈ મતલબ જ નથી, જેમાં કાશ્મીરી પંડિતો માટે કોઈ સ્થાન ન હોય. આ વાત કાશ્મીરની સાથે સાથે દેશના બાકીના લોકોએ પણ સમજવી પડશે. છેલ્લાં ૩૦ વર્ષોમાં પોતાના જ દેશમાં નિરાશ્રિત જીવન જીવવા મજબૂર બનેલા કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે કોઈ અવાજ ન ઉઠાવે એ વાત બહુ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. કોઈ સમુદાયને તેમના પોતાના જ દેશમાં શરણાર્થી બનવા માટે મજબૂર કરવા તેનાથી મોટી ત્રાસદાયક ઘટના બીજી કોઈ હોઈ જ ના શકે. 

કાશ્મીરી પંડિતોના બેઘર થવાના મુદ્દે આજ દિન સુધી ન તો તપાસપંચ બેઠું, ન કોઈ સ્ટિંગ ઓપરેશન થયું અને ન સંસદમાં કે સંસદની બહાર તેમની દયનીય સ્થિતિ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ. તેનાથી ઊલટું ‘હમેં ચાહિએ આઝાદી’ના નારા લગાવનારા અલગતાવાદીઓ અને જેહાદીઓ-કટ્ટરવાદીઓને હંમેશાં શાસકપક્ષ અને માનવાધિકાર સમર્થકો દ્વારા સહાનુભૂતિની નજરથી જ જોવામાં આવ્યા છે. આ પહેલા પણ બનતું હતું અને આજે પણ આવું જ થઈ રહ્યું છે.

આજે જ્યારે કાશ્મીરી પંડિતો તેમને હાંકી કાઢવાના ભયાનક ઘટનાક્રમનું  વર્ણન કરીને પોતાની ઘરવાપસીની આશા પ્રકટ કરી રહ્યા છે ત્યારે દેશનું  રાજકીય નેતૃત્વ એકી અવાજે એવું કહેવા તૈયાર નથી કે, તેમની અપેક્ષાઓને પૂરી કરવા માટે તમામ શક્ય પગલાં લેવાવાં જોઈએ. આખરે કાશ્મીરી પંડિતોના પુનર્વસનનું અધૂરું કામ આખા દેશનો સંકલ્પ કેમ બની શકતો નથી? કેન્દ્ર સરકારે પણ યાદ રાખવું જોઈએ કે, કાશ્મીરી પંડિતોની ઘરવાપસીનો તેમનો સંકલ્પ હજુ અધૂરો જ છે.

આલેખનઃ પ્રજ્ઞેશ શુક્લ (પોઇન્ટ બ્લેન્ક)

સંકળાયેલા મુદ્દાઓ

Exodus of kashmiri pandit Farooq Abdullah Jammu and Kashmir Kashmir Insurgency Kashmir Issue Kashmiri Pandit kashmir VTV Special
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ