30 people died in a horrific road accident in Pakistan
BIG BREAKING /
પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના: 30નાં મોત, અનેક ઘાયલ, કાર સાથે ટક્કર થતા બસ સીધી ખીણમાં ગરકાવ
Team VTV08:55 AM, 08 Feb 23
| Updated: 08:58 AM, 08 Feb 23
પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 30 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત
કાર સાથે અથડાતાં બસ ખાઈમાં ખાબકી
અકસ્માતમાં 30 લોકોના મોત, 15 ઈજાગ્રસ્ત
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના પેશાવરમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અહીં મંગળવારે એક બસ અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જે બાદ બસ ઊંડી ખીણમાં ખાબકી હતી, આ ભયાનક અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં આ બીજો ભયાનક અકસ્માત છે.
કાર સાથે અથડામણ બાદ બસ ખીણમાં ખાબકી
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાનના દિયામીર વિસ્તારમાં શતિયાલ ચોક પાસે સર્જાઈ હતી. બસ રાવલપિંડી તરફ જઈ રહી હતી. ત્યારે સામેની તરફથી આવી રહેલી કાર સાથે તેની અથડામણ થઈ હતી. આ પછી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને અને મૃતકોના મૃતદેહોને આરએચસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
PM શાહબાઝ શરીફે વ્યક્ત કર્યું દુઃખ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અંધારાના કારણે બચાવકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સરકારી 'રેડિયો પાકિસ્તાન' અનુસાર, વડાપ્રધાન શરીફે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે અધિકારીઓને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
ગયા શુક્રવારે પણ સર્જાયો હતો ભયાનક અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના કોહાટ જિલ્લામાં એક સુરંગ નજીક બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. તો બીજી તરફ 29 જાન્યુઆરીએ દક્ષિણ પાકિસ્તાનમાં વધુ એક ઘાતક અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બસ થાંભલા સાથે અથડાઈને પુલ પરથી પડી ગઈ હતી જેમાં 40 લોકોના મૃત્યુ થયા હતા.