3 corona vaccine can come in the country at once, after Pfizer-Serum, now this company also seeks permission
ખુશખબર /
દેશમાં એકીસાથે આવી શકે છે 3 કોરોના રસી, ફાઈઝર-સીરમ બાદ હવે આ કંપનીએ પણ માંગી મંજૂરી
Team VTV11:58 PM, 07 Dec 20
| Updated: 12:07 AM, 08 Dec 20
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે તેની સ્વદેશી કોરોના વેક્સિન 'કોવાક્સિન' ના તાત્કાલિક ઉપયોગ માટે DCGI ની મંજૂરી માંગી છે.નોંધનીય છે કે આ અગાઉ અમેરિકન કંપની ફાઈઝર અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ ઇમરજન્સી એપ્રૂવલ માટે સરકારની સામે મંજૂરી માટે એપ્લાય કરી ચૂકી છે.
હૈદરાબાદની કંપનીએ માંગી રસીની મંજૂરી
ભારત બાયોટેકે ઇમરજન્સી એપ્રૂવલ માટે મંજૂરી માંગી
આ પહેલા ફાઇઝર અને સીરમ માંગી ચૂક્યા છે મંજૂરી
ભારતમાં ટૂંક સમયમાં પીએમ મોદીના કોરોના વેક્સિન ઉપલબ્ધ થવાના આશ્વાસન વચ્ચે દેશ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકન કંપની ફાઈઝર અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પછી હવે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે તેની કોવિડ -19 રસી માટે મંજૂરી માંગી છે. આ માટે DCGI ને અરજી કરવામાં આવી છે. આ અંગેની સૂત્રોએ માહિતી આપી હતી.
ICMR ના સહયોગથી બની રહી છે રસી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ -19 ની રસી થોડા અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે.
ફાઈઝર એ પણ માંગી છે મંજૂરી
તે જ દિવસે સાંજે, અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરની ભારતીય શાખાએ ફાઈઝર ઈન્ડિયાએ તેની કોવિડ રસીના તાત્કાલિક ઉપયોગ માટે સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માંગી હતી. અગાઉ, આ કંપનીને UK અને બહરીનમાં આ પ્રકારની મંજૂરી મળી છે. ઓક્સફર્ડની કોવિડ -19 રસી કોવિશિલ્ડ માટે 6 ડિસેમ્બરે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આ પ્રકારની મંજૂરી માંગી હતી.
ભારત બાયોટેક , સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ફાઇઝર ની અરજીઓ પર આગામી દિવસોમાં એક્સપર્ટ પેનલ દ્વારા નિર્ણય લેવાશે, આ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDCSO વિચાર કરશે. નોંધનીય છે કે હવે DCGI સમક્ષ ત્રણ કંપનીઓની અરજી પેન્ડિંગ છે અને આવનારા સમયમાં વધુ કોરોના રસી માટે એપ્લિકેશન થઈ શકે છે. ખાસ કરીને રશિયન રસી સ્પુટનીક વી અને ઝાયડસ ની કોરોના રસી તેના આગામી ઉમેદવારો હોય શકે છે.