ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ જગ્યાઓએ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સુરતીઓ તેમના સુરતી માંજા સાથે તૈયારીઓ કરી ચૂક્યા છે. પતંગ રસિયાઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરતમાં 24 ફૂટનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. જાણો શું છે આ ખાસ પતંગની ખાસિયત.
સુરતમાં ઉતરાયણને લઈને તૈયારીઓ શરૂ
24 ફૂટનો પતંગ છે તૈયાર, રસિકો લડાવશે પેચ
2 હજારની કિંમતનો પતંગ ઉડશે આસમાને
સુરતીઓ માટે તૈયાર કરાયો છે આ ખાસ 24 ફૂટનો પતંગ
ગુજરાતના તમામ શહેર અને જિલ્લાઓમાં ઉતરાયણમાં લોકો પતંગના પેચ લડાવે છે. સુરતના પતંગ અને દોરી રાજ્યભરમાં પ્રખ્યાત છે. હવે ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉતરાયણને લઈને સુરતમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી એક પરિવાર દ્વારા પતંગ બનાવવામાં આવે છે. આ પરિવાર દ્વારા 4 ફૂટથી લઈને 18 ફૂટ સુધીના પતંગ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે પતંગ રસિકોની ડિમાન્ડ વધતા આ પરિવાર દ્વારા 24 ફૂટનો પતંગ તૈયાર કરાયો છે. આ પતંગને વિશેષ દોરીની મદદથી ઉડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પતંગને ઉડાવવા માટે 4 લોકોની જરૂર પડશે. આ પતંગની કિંમત 2 હજાર સુધીની માનવામાં આવી રહી છે.
સુરતના આકાશની શોભા વધારશે આ ખાસ પતંગ
અમદાવાદમાં પણ યોજાયો પતંગ મહોત્સવ
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો આ પતંગ મહોત્સવમાં જોડાશે. રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં 43 દેશોના 153 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. 12 રાજ્યોના 115 પતંગબાજો પણ મહોત્સવમાં જોડાશે. આ પતંગ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી યોજાશે. આ પતંગમહોત્સવોનો આનંદ માણવા રાજ્યભરમાંથી લોકો આવી રહ્યા છે. અહીં પણ અનેક શેપના ખાસ પતંગો આકાશની શોભા બની રહ્યા છે.