2.31 lakh doses of corona vaccine wasted in gujarat
અણઘડ /
ગુજરાતની પ્રજા વેક્સિન માટે વલખાં મારે ને' તંત્રની અણઆવડતના લીધે આટલા લાખ ડોઝ તો વેડફાઇ ગયા
Team VTV08:30 AM, 23 May 21
| Updated: 08:30 AM, 23 May 21
ગુજરાતની પ્રજા કોરોના વેક્સિનના ડોઝ માટે કલાકોના કલાકો લાઇન લગાવે છે ત્યાં સરકારની અણઆવડતના કારણે લાખો ડોઝ વેડફાઇ ગયા છે.
ભારત આખામાં બીજી લહેરનો હાહાકાર
વેક્સિન માટે લોકો મારી રહ્યા છે વલખાં
ગુજરાતમાં લાખો ડોઝ તો વેડફાઇ ગયા
ગુજરાતની પ્રજા આજે વેક્સિનનો એક સ્લોટ બૂક કરવા માટે મોબાઈલ લઈને કલાકો રાહ જુએ છે, ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન હોય તો કારમાં બેસીને કલાકો રાહ જુએ છે. ગામડાઓમાં તો વેક્સિનની વાત જ જવા દો. સરકારને ખબર છે કે એક વેક્સિનના ડોઝથી એક જીવ બચાવી શકાય તેમ છે છતાં વહીવટમાં કમી અને કોઈ પ્રકારની આવડત ન હોવાના કારણે ગુજરાત રાજ્યમાં કેટકેટલાય ડોઝ તો નકામા વેડફાઇ ગયા છે.
કોરોના વેક્સિનનો બગાડ કરવામાં ગુજરાત અવ્વલ
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. વાયરસના કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે મહામારીની પહેલી અને બીજી લહેર વચ્ચે તફાવત એ છે કે બીજી લહેરમાં ભારત પાસે વેક્સિન છે. વેક્સિનની મદદથી ઘણા બધા લોકોના જીવ બચાવી શકાય છે અને તે માટે ભારત સરકાર દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન માટે દાવા કરવામાં આવે છે ત્યારે દેશમાં હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોની માંગ જેટલી વેક્સિન મળી નથી રહી.
અત્યાર સુધી 2.31 લાખ ડોઝ બાતલ ગયા
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વેક્સિન માટે 18 વર્ષથી ઉપરની વયના બધા લોકોને વેક્સિન મળી રહી છે ત્યારે વેક્સિન લેવા માટે કરવામાં આવતા ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં નાગરિકોએ પરેશાન થવાનો વારો આવે છે. જ્યાં એક તરફ વેક્સિન ન હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ ગુજરાતમાં વેક્સિનના ડોઝ વેડફાઇ રહ્યા છે. ગુજરાતમાં વેક્સિનનો બગાડ એ હદે થયો છે કે નેશનલ હેલ્થ કમિશને સરકારને પત્ર લખવાની ફરજ પડી છે.
સુરેન્દ્રનગર અને સુરતમાં સૌથી વધુ ડોઝ બગડ્યા
ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.31 લાખ ડોઝ તો નકામા વેડફાઇ ગયા છે. વેક્સિનના ડોઝ બાતલ જવામાં સુરેન્દ્રનગર પહેલા નંબર છે જેમાં સુરેન્દ્રનગરને આપવામાં આવેલા 61 હજાર ડોઝમાંથી 15,047 ડોઝ તો બાતલ ગયા છે. આજ રીતે સુરતમાં પણ 81 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા જેમાંથી 20,467 બગડી ગયા છે. સુરેન્દ્રનગર તથા સુરતમાં તો સરકાર દ્વારા આપવામાં આવેલી વેક્સિનના ડોઝમાંથી 25% જેટલા ડોઝ વેડફાઇ ગયા છે.
સળગતા સવાલ :
કોરોનાના કપરા સમયે રસીનો બગાડ કેટલો યોગ્ય?
રસીના ડોઝ વેડફાઈ જશે તો લોકોને રસી કઈ રીતે મળશે?
કોરોનાની રસીનો બગાડ ન થાય એ માટે કોઈ વ્યવસ્થા નથી?
રસીની અછતની વચ્ચે રસીનો બગાડ શરમજનક બાબત નથી?
કોરોના મહામારી ફરી વકરશે અને રસીની અછત સર્જાશે તો શું કરશો?
આ રીતે તો કોઈ કંપની ગમે એટલું ઉત્પાદન કરે તો પણ શું ફાયદો?