ગુજરાતમાં 1400 કરોડના સટ્ટાકાંડ મામલે મુખ્ય આરોપી રાકેશ રાજદેવની મુશ્કેલી વધી શકે છે, ક્રાઇમ બ્રાન્ચ સાથે તપાસમાં ED અને IT સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ શકે છે.
ગુજરાતમાં 1400 કરોડના સટ્ટાકાંડનો મામલો
ક્રાઇમ બ્રાન્ચ સાથે તપાસમાં સામેલ થઈ શકે છે ED અને IT
રાકેશ રાજદેવ હાલમાં દુબઈ અને લંડનમાં હોવાની ચર્ચા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત ક્રિકેટ સટ્ટાનો સૌથી મોટો પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની આ તપાસ અને ઉપલબ્ધીથી જે સટ્ટાનો હિસાબ મળી આવ્યો હતો તે રાજકોટનાં કુલ બજેટની નજીકનો હતો. રાજકોટ અને ઊંઝામાંથી બે બુકીઓના નામ સામે આવ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચને તપાસ બાદ ગુજરાતનાં 2 બુકી ટોમી પટેલ અને રાકેશ રાજદેવે એક સિઝનમાં 1400 કરોડનો સટ્ટો રમ્યાનાં પુરાવાઓ મળી આવ્યાં હતા. જે મામલે મુખ્ય આરોપી રાકેશ રાજદેવની મુશ્કેલી વધી શકે છે.
સટ્ટાકિંગ રાકેશ રાજદેવની વધી શકે છે મુશ્કેલી
ગુજરાતમાં 1400 કરોડના સટ્ટાકાંડ મામલે મુખ્ય આરોપી રાકેશ રાજદેવની મુશ્કેલી વધી શકે છે. ક્રાઇમ બ્રાન્ચ સાથે તપાસમાં ED અને IT પણ સામેલ થઈ શકે છે. કેસની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ શકે તેવી વિગતો છે. ED, ઈન્કમટેક્સ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઈ શકે છે. જેમાં મની ટ્રેલની ફોરેન્સિક તપાસ થયા બાદ અન્ય એજન્સીઓ તપાસ કરશે. રાકેશ રાજદેવ હાલમાં દુબઈ અને લંડનમાં હોવાની વાત પણ ચાલી છે. રાજકોટનો નામચીન રાકેશ રાજદેવ મુખ્ય આરોપી છે અને તેમણે નકલી ડોક્યુમેન્ટના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
આરોપી ટોમી પટેલ
વિદેશમાં કોણ-કોણ જોડાયેલા છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે
11 બેન્ક એકાઉન્ટમાંથી 1400 કરોડનો વ્યવહાર થયા હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. ટોમી પટેલ, રાકેશ રાજદેવ, આકાશ ઓઝા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખન્નાજી, રવી પટેલ સહિત 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દેશ અને વિદેશમાં કોણ-કોણ જોડાયેલા છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે.
1400 કરોડનાં સટ્ટાનાં પુરાવાઓ
રાજકોટથી આરોપી રાકેશ રાજદેવ અને ઊંઝાથી આરોપી ટોમી પટેલના નામનો ખુલાસો થયો હતો. સૂત્રો અનુસાર પોલીસને આરોપીઓનાં 1400 કરોડનાં સટ્ટાનાં પુરાવાઓ એટલે કે હિસાબો મળી આવ્યાં છે જેમાં દુબઈમાં ડમી નામની બેન્ક ડિટેલ્સ પણ મળી આવી હતી.
મોબાઈલ એપ મારફતે રમાતા હતાં સટ્ટો
માહિતી અનુસાર બંને આરોપીઓ મોબાઈલ એપ્લિકેશનની મદદથી એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમતાં હતાં જેમાં સટોડિયાને કેટલોક ચોક્કસ ક્રેડિટ આપવામાં આવતો હોય છે.
આ રીતે રમાય છે સટ્ટાઓ
બુકીઓ વિષે ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે ડમી એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે જે વિવિધ સટ્ટાની એપો સાથે સંકળાયેલ હોય છે. હાર-જીત બાદ તરત જ રૂપિયા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. દરરોજ 5થી 7 કરોડ રૂપિયા પાઈપલાઈનમાં રહે છે જે અલગ-અલગ બુકીઓનાં હોય છે.
ખાસ કોડવર્ડમાં થતી હોય છે વાતચીત
તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે સટોડિયાઓ ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતાં હોય છે. સટ્ટા દરમિયાન લાખો રૂપિયાનો જે ઉલ્લેખ થતો હોય છે તેને બુકીઓ કિલો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો એક કરોડનાં સટ્ટા માટે ચિકન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.