10th and 12th Board Exam: Schools will be fined along with teachers who are absent in the evaluation process, verificati
દંડાત્મક કાર્યવાહી /
બોર્ડ એકઝામઃ મૂલ્યાંકનની કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો સાથે હવે સ્કૂલોને પણ થશે દંડ, ઉત્તરવહી ચકાસવાની કામગીરી શરૂ
Team VTV12:07 AM, 21 Mar 23
| Updated: 12:09 AM, 21 Mar 23
ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચાલુ છે. ત્યારે બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસવાની કામગીરી શરૂ કરી દીધી છે.
હાલમાં બોર્ડની ધો. 10 અને ધો. 12 ની પરીક્ષા ચાલુ છે
બોર્ડ દ્વારા લેવાઈ ગયેલ પરીક્ષાની ઉત્તરવહી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પહોંચાડી દીધી
શિક્ષણ વિભાગે પરિણામ પણ સમયસર જાહેર કરવા માટે કમર કસી છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચાલુ છે. આગોતરા આયોજનના ભાગરૂપે બોર્ડના જે વિષયોની પરીક્ષા લેવાઈ ગઈ છે. તે વિષયની ઉત્તરવહી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર પહોંચાડી દેવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરી દેવાશે
શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા બાદ પરિણામ પણ સમયસર જાહેર કરી દેવામાં આવે તે માટે કમર કસી છે, માટે પરીક્ષા દરમિયાન જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરી દેવાશે. ધોરણ-૧૦ અને ૧રના કેટલાક વિષયોની ઉત્તરવહીઓનું આજે મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવશે. જિલ્લાની કેટલીક શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવાયું છે અને પેપર ચેક કરવા માટે શિક્ષકોના ઓર્ડર કરાયા છે. બોર્ડ પરીક્ષામાં કાપલીબાજ વિદ્યાર્થીઓને ઝડપવા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાતી હોય છે, જેથી સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
થોડાક જ દિવસોમાં ઉત્તરવહીની ચકાસણી હાથ ધરાશે
ધોરણ-૧૦માં અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગણિત અને ગુજરાતી માધ્યમની ઉત્તરવહીની ચકાસણી થશે. ધો. ૧ર કોમર્સમાં ઇકોનોમિક્સ અને એકાઉન્ટની ઉત્તરવહીની ચકાસણી હાથ ધરાશે. ધોરણ-૧ર સાયન્સમાં અંગ્રેજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રીની ઉત્તરવહી ચકાસણી હાથ ધરાશે.
મૂલ્યાંકન માટે શિક્ષકો નહીં મોકલનાર સ્કૂલોએ પણ દંડ ભરવો પડશે
ધોરણ-૧૦ની પરીક્ષા માટે રાજ્યમાં ૧૭૦ જેટલાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ૯૦ કરતાં વધુ માર્ક મળ્યા હોય તેવી ઉત્તરવહીઓની એક કરતાં વધુ શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવશે. મૂલ્યાંકનની કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો સાથે હવે સ્કૂલોને પણ દંડ ફટકારવાનું નક્કી કરાયું છે. અત્યાર સુધી માત્ર શિક્ષકો સામે જ કાર્યવાહી થતી હતી, પરંતુ હવે મૂલ્યાંકન માટે શિક્ષકો નહીં મોકલનાર સ્કૂલોએ પણ દંડ ભરવો પડશે. ધોરણ-૧૦માં આજે વિજ્ઞાન અને ધોરણ-૧ર સાયન્સમાં ગણિતની પરીક્ષા લેવાઈ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ- ૧૦માં વિજ્ઞાન વિષયનું પેપર લેવાયું હતું. , જ્યારે ધોરણ-૧ર સાયન્સમાં ગણિત વિષયનું અને કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવામાં આવ્યું હતું. આ પેપર પૂર્ણ થતાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓના માથેથી બોર્ડની આ પરીક્ષાનો પોણો ભાર ઓછો થઇ ગયો હતો. આ પેપર પૂર્ણ થયા બાદ સાયન્સના પરીક્ષાર્થીઓનાં ભાષાનાં પેપર બાકી રહેશે.