ગુજરાત દરિયાઈ સરહદ અને જમીન સરહદથી પાકિસ્તાન સાથે જોડાએલું છે. ભાગલા પહેલાથી અહિં રોટી, બેટીના એટલે કે, પરસ્પર વિવાહના અને જમવાના સંબધો છે. આ ગામની બેટી સરહદ પાર વળાવવામાં આવે જ્યારે ત્યાંથી દીકરીને વહુ બનાવી સરહદની આ પાર એટલે ગુજરાતમાં પણ લવાતી. વળી કેટલાય ગુજરાતીઓના કુળદેવી આડેય હરસિધ્ધિ માતા અને હિંગળાજ માતા છે જેમની જ્યોતિ પાકિસ્તાનથી ગુજરાત લાવવામાં આવે છે. હવે પાકિસ્તાની ગુજરાતી શરણાર્થીઓ માટે ભારતીય નાગરિકતા હાથવેંત જ છેટી છે.
ગુજરાત-પાકિસ્તાનની સરહદે છે રોટી બેટીના છે વ્યવહારો
ગુજરાતમાં વસવાટ કરતા આશરે દસ હજારથી વધુ પાકિસ્તાની શરણાર્થીઓને નવા ( Citizenship Amendment Act ) નાગરિકતા સુધારણા કાયદા દ્વારા ભારતીય નાગરિકત્વ આસાનીથી મળી જશે. અગાઉ પણ કાયદેસર કે ગેરકાયદેસર સરહદી ગામોમાં સામાજીક વ્યવહારો છે. ત્યારે ગુજરાતમાં જ લાંબા ગાળાના વિઝા લઈને રહેતા પાકિસ્તાનીઓ માટે આનંદના સમાચાર છે.
રોટી બેટીના છે વ્યવહારો
ગુજરાત રાજ્યની 500 કિલોમીટરથી વધારે સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા સીધી જમીન દ્વારા પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. ભાગલા પહેલા પાકિસ્તાન જ્યારે ભારતનો જ એક ભાગ હતું ત્યારે આ વિસ્તારના લોકો સામાજિક સંબંધોથી બંધાયેલા હતા. આ સંબંધો આજે પણ ચાલું છે. ગુજરાત અને પાકિસ્તાનની સરહદે આવેલા ગામમાં રોટી અને બેટીના વ્યવહારો આજે પણ છે.
હિન્દુ પાકિસ્તાનમાં લઘુમતીમાં આવે છે
પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલા થરપાકર, બાદિન, થટ્ટા વગેરે જિલ્લામાં હાલ મોટા પ્રમાણમાં ગુજરાતી હિન્દુ સમુદાયની વસતી છે. અલબત, આ લોકો ત્યાં લઘુમતીમાં આવે છે. જેમાં લોહાણા, કોલી, મહેશ્વરી અને સોઢા સહિતના સમાજોનો સમાવેશ થાય છે.
લોંગ ટર્મ વિઝા
આ લોકો ભારત એટલે કે ગુજરાતમાં રહેતા પોતાના સંબંધીઓને મળવા માટે એલટીવી(લોંગ ટર્મ વિઝા) લઈને આવે છે. આ વિઝા અનુસાર તેઓ લાંબા સમય સુધી અમુક શરતોને આધિન ભારતમાં પોતાના પરિવાર સાથે રહી શકે છે. જેમાં ખાસ કરીને બોર્ડરનો નોટીફાઈડ એરિયા હોય તેવા વિસ્તારમાં આ પાકિસ્તાની નાગરિકતા ધરાવતા લોકોને જવાની મનાઈ હોય છે.
લોંગ ટર્મ વિઝા વાળા પાકિસ્તાની મોરબી રાજકોટમાં
એલટીવી દ્વારા ગુજરાતમાં આવેલા પાકિસ્તાની લોકો મહદ્દઅંશે મોરબી અને રાજકોટ જેવા નજીકના શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. આ સિવાયના ગુજરાતના ઘણા નાના-મોટા શહેરોમાં પાકિસ્તાની નાગરિકો વિઝાના આધારે વસવાટ કરે છે. જો કે તેના પર કાયદાની સખત નજર ન હોવાથી તેઓ ગેરકાયદેસર રીતે બોર્ડર સાથે જોડાયેલા કચ્છ, પાટણ કે બનાસકાંઠા જિલ્લામાં રહેતા પોતાના સંબંધીઓને મળવા જતા હોય છે.
વળી, આ નાગરિકો સામાજિક આશયથી જ રહેતા હોવાથી તંત્ર પણ તેના પર કડક વલણ દાખવતું નથી. અત્યાર સુધી આવા લોકોને ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ખુબ લાંબી પ્રક્રીયામાંથી પસાર થવું પડતું હતું. 11 વર્ષ સુધી ભારતમાં રહ્યા બાદ તેને નાગરિકત્વ મળતું હતું. હવે નાગરિકતા અધિનીયમના સુધારા બાદ પાંચ વર્ષમાં જ નાગરિકત્વ મળી જશે. ગુજરાતમાં આવા દસેક હજારથી વધુ પાકિસ્તાની લોકો લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે.