10 personalities whose deaths left us weeping in 2019
ફ્લેશબેક 2019 /
2019માં આ 10 દિગ્ગજ હસ્તીઓએ લીધી ચિર વિદાય ; યાદ કરીને આંખમાં આંસુ આવી જશે
Team VTV08:04 PM, 27 Dec 19
| Updated: 04:02 PM, 28 Dec 19
2019ની સાલમાં દેશના અનેક લાડકવાયા કલાકારો અને નેતાઓએ આ દુનિયાનો ત્યાગ કરીને પરમ વિદાય લીધી. જે તે ક્ષેત્રે એક મોટી ખોટ ઉભી કરીને સૌની યાદોમાં કાયમ માટે સ્થાપિત થનાર આ પ્રતિભાઓની યાદી કઈક આ મુજબની છે.
રામ જેઠમલાણી :
ભારતના કાયદા મંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા દેશના સૌથી નીવડેલા વકીલોમાંથી એક એવા રામ જેઠમલાણીએ તેમની કારકિર્દીમાં રાજીવ ગાંધીના હત્યારાઓના, હર્ષદ મહેતાના, સોરાબુદ્દિન કેસમાં અમિત શાહના, હવાલા કાંડમાં L K અડવાણીના એમ વિવાદાસ્પદ કેસમાં આરોપીઓના વકીલ રહી ચુક્યા છે. 96 વર્ષની વયે તેમનું અવસાન થયું.
સુષ્મા સ્વરાજ :
નાના કદના વિરાટ નેતા તરીકે સુષ્મા સ્વરાજે મોદી સરકારમાં પોતાની વાણી અને કુનેહભર્યા નિર્ણયોથી ભારે સરાહના મેળવી. વિદેશમાં ફસાયેલા ભારતીયોને બજાવવામાં તેમની ભૂમિકાની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઇ. દેશના સૌપ્રથમ મહિલા વિદેશ મંત્રીનું 6 ઓગસ્ટે 67 વર્ષની વયે નિધન થયું.
અરુણ જેટલી :
ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ તેમની કારકિર્દીની શરૂઆત એક સફળ વકીલ તરીકે કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં તેમણે દેશના નાણામંત્રી તરીકે ધુરા સંભાળી. 24 ઓગસ્ટે દિલ્હીના AIIMSના તેમનું અવસાન થયું.
મનોહર પારિકર :
મોદી સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા મનોહર પારિકર ગોવાની પ્રજાના લોકપ્રિય મુખ્યમંત્રી હતા જેઓ સાદગીથી ગોવામાં સાયકલ લઇને નીકળી પડતા. પેન્ક્રીયાઝના કેન્સર સામે લડત આપવા તેઓ અમેરિકા જઈને ઈલાજ કરાવી આવ્યા હતા. પરંતુ 17 માર્ચે 63 વર્ષની વયે તેમનું દિલ્હીમાં અવસાન થયું.
શીલા દીક્ષિત :
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતે 1998 થી લગલગાટ 15 વર્ષ સુધી દિલ્હીના CMનું પદ સાંભળ્યું હતું. 2013માં આમ આદમી પાર્ટી સામે હાર્યા બાદ તેઓ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ હતા જે પદ તેમણે તેમના મૃત્યુ સુધી સાંભળ્યું. 81 વર્ષની વયે તેઓ દિલ્હીમાં અવસાન પામ્યા.
જ્યોર્જ ફર્નાન્ડિઝ :
જનતા દળના અગત્યના સભ્ય અને સમતા પાર્ટીના સ્થાપક જ્યોર્જ ફર્નાન્ડિસ કટોકટીના સમયે 1975માં ઇન્દિરા ગાંધી સરકારની ટીકા કરવા મુદ્દે જેલમાં ગયા હતા. ત્યાર બાદ તેમણે વાજપેયી સરકાર હેઠળ સંરક્ષણ મંત્રીનું પદ સાંભળ્યું હતું જયારે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. 29 જાન્યુઆરીએ તેમનું 88 વર્ષની વયે અવસાન થયું હતું.
ખય્યામ :
કભી કભી, ઉમરાવજાન જેવી ફિલ્મોના ગીતો આજે પણ ગણગણવામાં આવે છે તેના મ્યુઝિક ડિરેક્ટર ખય્યામ દેશના પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરા 40 વર્ષની લાંબી સંગીતની કારકિર્દી ધરાવતા ખય્યામને ફેફસાના ઇન્ફેક્શનને કારણે મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું 92 વર્ષની વયે નિધન થયું.
કાદર ખાન :
બૉલીવુડમાં અભિનય, દિગ્દર્શન, લેખન, કોમેડી વગેરે બહુવિધ ભૂમિકા ભજવનાર કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં ભૂમિકા નિભાવી. ચોટદાર સંવાદો લખવા માટે જાણીતા કાદર ખાન ગોવિંદા સાથેની કોમેડી માટે પણ લોકપ્રિય હતા. 1 જાન્યુઆરીએ કેનેડામાં તેમનું 81 વર્ષની વયે અવસાન થયું.
ગિરીશ કર્નાડ :
મૂળ મહારાષ્ટ્રના ગિરીશ કર્નાડે હિન્દી સિનેજગતમાં મંથન, સ્વામી, પુકાર, ઇકબાલ, આશાએં જેવી વિવેચકોએ વખાણેલી ફિલ્મો અને માલગુડી ડેઝ જેવી સિરિયલોમાંં કામ કર્યું હતું. પદ્મશ્રી, પદ્મભૂષણ, સાહિત્ય એકેડમી, જ્ઞાનપીઠ જેવા સંખ્યાબંધ પુરસ્કારોથી નવાજાયેલા ગિરીશ કર્નાડનું 81 વર્ષની વયે બેંગ્લોરમાં અવસાન થયું હતું.
વીરુ દેવગણ :
જાણીતા અભિનેતા અજય દેવગણના પિતા વીરુ દેવગણે આશરે 80 જેટલી ફિલ્મોમાં સ્ટન્ટમેન અને એક્શન ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવી છે. 27 મે ના રોજ વીરુ દેવગણનું મુંબઈમાં 85 વર્ષની વયે અવસાન થયું.