10 killed as wall collapses in salt factory in morbi
BIG BREAKING /
ગુજરાતમાં મોટી દુર્ઘટના: દિવાલ ધરાશાયી થતાં 12ના મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા
Team VTV01:11 PM, 18 May 22
| Updated: 05:39 PM, 18 May 22
હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 12ના મોત થયા છે જ્યારે 30 લોકો દટાયા છે. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા.
હળવદ ખાતે મીઠાંના કારખાનાની દીવાલ ધરાશાયી
12નાં મોત અને 30 જેટલાં શ્રમિકો દટાયા હોવાની આશંકા
JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ
મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 12નાં મોત થયા છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2022
દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા
જો કે, તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
રેસ્ક્યુની કામગીરી 90 ટકા પૂર્ણ: બ્રિજેશ મેરજા
દિવાલ ધસી પડવાની ઘટના મુદ્દે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, 'અધિકારીઓને તત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવાયા છે. રેસ્ક્યુની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ચૂકી છે.' આ દુર્ઘટના અંગે રિપોર્ટ આવ્યા બાદ આર્થિક સહાજ જાહેર કરવાની પણ તેઓએ ખાતરી આપી છે. બ્રિજેશ મેરજાએ કહ્યું કે, 'બોઈલર કે મશીનની આ દુર્ઘટના નથી.'
અસંખ્ય મજૂરો જમવા ગયા હતા નહીં તો....
મળતી માહિતી મુજબ, દિવાલ નજીક મીઠાનો સટો લગાવવામાં આવ્યો હતો. જેના લીધે દબાણ આવતા દિવાલ તૂટી પડી હતી. આ દરમિયાન દીવાલની બાજુમાં પેકિંગનું કામ કરતા શ્રમિકો નીચે દટાઇ ગયા હતા. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બપોરના સમયે જમવાનો સમય હોવાથી અસંખ્ય મજૂરો જમવા માટે ગયા હતાં. નહીં તો અનેક શ્રમિકોનાં જીવ ગયા હોત. જીવ ગુમાવનારા મજૂરો રાધનપુર બાજુના શ્રમિકો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા
જો કે, આ ઘટનાની જાણ થતા જ તુરંત સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ બનાવ બાદ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે જ દિવાલ પડ્યા બાદ તુરંત સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બપોરના 12 વાગ્યાની આસપાસ ઘટી હતી. આ ઘટના બાદ 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં દિવાલ કયા કારણોને લીધે ધરાશાયી થઈ હતી તેની વિગતે કોઈ જ માહિતી નથી મળી રહી.