|
મોદી સરકારની ઈચ્છા છે કે, તમામ સમાન્ય મા્ણસની આવકમાં 2 લાખ રૂપિયાની વૃદ્ધી થાય. આવનાર 15 વર્ષમાં સરકાર આ ટાર્ગેટને કેવી રીતે પુરો કરશે, તેના માટે પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. પંચવર્ષીય યોજનાઓ ખતમ કરી સરકાર દેશના વિકાસનું 15 વર્ષનું વિઝન દસ્તાવેજ તૈયાર કરવા જઈ રહી છે. આમાં એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે વર્ષ 2031-32 સુધીમાં દેશનું ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ને વધારી 469 લાખ કરોડ રૂપિયા કરવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે, આનાથી દેશના પ્રતિ વ્યક્તિની આવક લગભગ બે લાખ રૂપિયા વધી જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે પોલીસી કમિશનની ત્રીજી બેઠકમાં દેશના વિકાસના પંદર વર્ષિય વિઝન દસ્તાવેજ, સાત વર્ષિય રણનીતિ અને ત્રિવર્ષિય કાર્યયોજના પર ચર્ચા થઈ. પાલીસી કમિશનના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ પંદર વર્ષમાં દેશના વિકાસનું વિઝન રજૂ કરતા કહ્યું કે, પ્રવર્તમાન કિંમતો પર વર્ષ 2014-15માં દેશનો જીડીપી 137 લાખ કરોડ રૂપિયા છે, જે 2031-32 સુધીમાં વધારી 469 કરોડ રૂપિયા થઈ જશે. આ રીતે પંદર વર્ષના સમયગાળામાં આમાં 332 લાખ કરોડની વૃદ્ધિ થશે. પનગઢિયાના મત મુજબ, સત્તર વર્ષમાં દેશના જીડીપીમાં વૃદ્ધિ થઈ છે, તેના કરતા કેટલાએ ટકા વધારે વૃદ્ધિ 15 વર્ષમાં થશે. તેમણે આશા વ્યક્ત કરી કે, દેશ વાર્ષિક 8 ટકાના દરે વિકાસ કરશે.
પનગઢિયાના જણાવ્યા અનુસાર, 2031-32માં દેશનો પ્રતિ વ્યક્તિ દીઠ જીડીપી વધી 314667 રૂપિયા થઈ જશે, જોકે, વર્ષ 15-16માં 106589 રૂપિયા હતો. આ રીતે આમાં બે લાખ રૂપિયાથી વધારે વૃદ્ધિ થશે. પંદર વર્ષિય દસ્તાવેજ વિઝનના પ્રેઝન્ટેશનમાં પનગઠિયાએ અનુમાન લગાવ્યું કે, વર્ષ 2031-32માં ભારતના 60 કરોડ લોકો શહેરમાં રહેતા હશે. ઉલ્લેખનીય છે કે, 2011ની વસ્તી ગણતરી અનુસાર લગભગ 38 કરોડ લોકો શહેરમાં રહે છે. આ સાથે 2031-32માં કેન્દ્ર અને રાજ્ય સરકારની વાર્ષિક આવક પણ લગભગ 130 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
પંદર વર્ષના વિઝનમાં પીએમના ન્યૂ ઈન્ડિયાનું ટેમ્પલેટ પણ રજૂ કરવામાં આવ્યું. આ ન્યુ ઈન્ડિયામાં બધા જ લોકો પાસે ઘર, શૌચાલય, એલપીજી કનેક્શન, વિજળી અને ડિજીટલ કનેક્ટીવીટી હશે. સાથે બધા લોકો પાસે ટુ-વ્હીલર, કાર અને એરકંડિશન જેવી આરામદાયક સુવિધાઓની પહોંચ પણ હશે. આ એક એવું નવું ભારત હશે જેમાં બધા જ લોકો સાક્ષર હશે અને બધાને સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ હશે. સાથે આમાં રેલ અને રોડનું પણ મોટું નેટવર્ક હશે. આ સિવાય ગામ અને શહેરોમાં સફાઈ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.
|