સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરના એક પરિવારે વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરના ત્રાસથી કાંટાળી પરિવારની બે મહિલાઓ દેરાણી-જેઠાણીએ દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલએ ખસેડવામાં આવી હતી. જયારે આ અંગે શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો વ્યાજના વિષચક્રમાં આવી બરબાદ થઇ રહ્યા છે. તેમજ વ્યાજખોરો દ્વારા ઊંચી ટકાવારી લઇ રૂપિયા વ્યાજે આપ્યા બાદ વ્યાજ સહીતની રકમ ચૂકવી દીધા બાદ પણ ધમકી અને મારપીટના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત સામે થોર્નલી કંપાઉન્ડ ખાતે રહેતા મુસ્લિમ પરિવારના બે ભાઈઓ યુનુસભાઇ મોવર અને સલીમભાઇ મોવરએ 20% જેટલી ઊંચી ટકાવારીએ રમજાનભાઈ જુસબભાઇ નામના શખ્સ પાસેથી અંદાજે 2 લાખ કરતા પણ વધુ રકમ વ્યાજે લીધી હતી. બંને ભાઈઓ દ્વારા નિયમિત વ્યાજ સહીત મુદ્દલની રકમ ભરી આપવા છતાં વ્યાજખોર રમજાનભાઈ દ્વારા અવારનવાર ઘેર આવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
તેમજ દાદાગીરી કરી મકાન સહીત એફ.ડી પણ પોતાના નામે લખાવી દીધી હતી. ત્યારે વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત બની પરિવારની બે મહિલાઓ દેરાણી-જેઠાણી સકીનાબેન અને રોશનબેનએ દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલએ ખસેડવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
|