|
શંકરસિંહ વાઘેલાના જન્મદિવસને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ દ્વારા શહેર અને પ્રદેશ હોદ્દેદારોને શંકરસિંહના કાર્યક્રમમાં ન જવા સૂચના આપી દેવાઈ છે. હોદ્દેદારોને ફરજિયાત કાર્યાલય પર આવવાની તાકીદ કરવામાં આવી છે. આ બધા વચ્ચે બાપુ આજે કોઈ મોટી રાજકીય જાહેરાત કરશે તેવી શક્યતા છે. કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો સહિત તમામને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણીમાં જવું નહીં. આ બાબતની તમામને ટેલિફોનિક સુચના પણ અપાઇ રહી છે. કોર કમિટીએ બાપુને જન્મદિવસને રાજકીય સમરાંગણ બનાવાશે તો પાર્ટી તે બાબતને ગંભીર ગણીને સ્વીકારશે નહીં તેવી ચિમકી પણ આપી છે. આમ છતાં કોઇ નેતા, કાર્યકર જન્મદિવસની ઉજવણીમાં જશે તો તે તેની વ્યકિતગત બાબત રહેશે.
ઉલ્લેખનીય છે કે, આજે શંકરસિંહ વાઘેલાનો 78મો જન્મદિવસ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરશસહ વાઘેલાના સમર્થકોએ આજે સમ સંવેદના સમારંભનું આયોજન કર્યુ છે. આ સંમારંભમાં બાપ પોતાની આગામી દશા અને દિશાનો નિર્દેશ કરી શકે છે. કોંગ્રેસમાંથી નિવૃતિ જાહેર કરીને નવા મોરચાનું એલાન પણ કરી શકે તેવી શકયતા પણ સૂત્રો નકારતા નથી. બાપુ આજે તેમના સારા નરસા અનુભવોથી લઇને વ્યથા ઠાલવશે. ત્યારે સૌની નજર આ સંમેલન પર છે.
|