નિમેષ દેસાઇ નામે રંગમંચનું અજવાળું ઓઝલ થયું

By : kavan 08:01 PM, 14 November 2017 | Updated : 08:04 PM, 14 November 2017
-કવન આચાર્ય

ગુજરાતી ફિલ્મ નસીબની બલિહારીઅનેકૂખના સર્જક અને જાણીતા નાટ્યકાર નિમેષભાઇ દેસાઇનું હૃદયરોગના હુમલાથી આજે વહેલી સવારે નિધન થયું. હૃદય એક ધબકાર ચુકી ગયું. મોતિયાનું ઓપરેશન જલ્દી પૂરું થાય એટલે જમી લેવું છે તેવું કહેનાર કાયમ માટે આપણને અને રંગભુમિને છોડી ચાલ્યા ગયા. આમ તો નિમેષભાઈ સાથે વધુ પરિચય ફેસબુકના માધ્યમથી થયેલો. આ લખનારના જન્મદિવસે તેઓ અચૂક સંદેશ પાઠવીને શુભેચ્છા વ્યક્ત કરી આશીર્વાદ આપે. ભલે રૂબરૂ મળવાનું ક્યારેય ના બન્યુ પરંતુ આત્મિયતા અઢળક હતી. ક્યારેક કોઈ વર્કશોપ થવાનો હોય કે પછી તેમના દિગ્દર્શનમાં કોઈ નાટક યોજાવાનું હોય તો ફેસબુક પર પોસ્ટ અચૂક કરે.

સફેદ દાઢી,મજબૂત બાંધો અને મોટેભાગે ઝભ્ભામાં જોવા મળતા નિમેષભાઈનો જન્મ 1 એપ્રિલ 1956 ના રોજ મુંબઈ ખાતે માતા જયમતી અને પિતા નિરંજનભાઈને ત્યાં થયો. વિલેપાર્લેની ગોકળીબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરી પંડિત ઓમકારનાથજી પાસેથી સંગીત શીખ્યા, બાળપણથીજ સંગીત અને અભિનયનો શોખ હોવાને કારણે આગળ જતા અમદાવાદની ગુજરાત કોલેજના નાટ્ય વિભાગમાં એડમિશન લીધું ત્યાં એક વર્ષ નાટ્યાભ્યાસ કર્યા બાદ એચ.કે કોલેજમાં થયેલ "વિનવેલી " નાટકમાં તેમણે અભિનય કર્યો અને દર્શકોની દાદ મેળવી.

એચ.કે.કોલેજમાં અભ્યાસ કરતી વખતે ગોપી નામની તેમનાથી જુનિયર છોકરીના પરિચયમાં આવ્યા, છોકરીના પિતા તે સમયે સરકારમાં મિનિસ્ટર હતા. ગોપીને પણ નાટકનો શોખ પરંતુ નિમેષ સાથે પ્રણય થતા તેને નાટકની પ્રેક્ટિસ કરવાની મંજૂરી ઘરેથી ના મળતી, અંતે બન્નેએ લગ્ન કરી લીધા. સમયાંતરે ગોપી બહેન ઇસરોમાં નોકરી કરતા પણ જીવ તો રંગભૂમિનો જ. સમય જતા દીકરી જન્મી નામ આપ્યું "તુલસી", આ તરફ નિમેષભાઈએ "કોરસ"નામની સંસ્થાના શ્રીગણેશ કર્યા.

નિમેષભાઈની પ્રગતિનો ગ્રાફ ધીમે-ધીમે ગગન ચુમી રહ્યો હતો અને ધીરૂબેન પટેલની નવલકથા આધારિત તૈયાર થયેલ જાણીતી ગુજરાતી ફિલ્મ "ભવની ભવાઈ" માં સહાયક દિગ્દર્શક તરીકે કામ મળ્યું. આ ફિલ્મમાં તેમણે રંગલા અને પાશ્વ ગાયકની એમ ત્રેવડી ભૂમિકા ભજવી. આ ફિલ્મે કેટલાય એવોર્ડ મેળવ્યા.

નિમેષ દેસાઈ દિગ્દર્શિત "નસીબની બલિહારી " ગુજરાતી ફિલ્મ આજેપણ લોકહૈયે જરા જુદું સ્થાન ધરાવે છે. આ ગુજરાતી ફિલ્મ જાણીતા કલાકાર અને વર્તમાન સાંસદ પરેશ રાવલની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મને કારણે જ છ અક્ષરના હુલામણા નામથી ઓળખાતા રમેશ પારેખની રચના "સાંવરિયો રે મારો " લોકજીભે જાણીતી બની. આ ફિલ્મમાં સંગીત ગૌરાંગભાઈ વ્યાસે આપ્યું હતું.

પોતાની જિંદગીના સાડા ત્રણ દાયકાથી વધુ સમય રંગભૂમિને જ સમર્પિત કરનાર નિમેષભાઈ દેસાઈએ 100 થી વધારે નાટકોનું દિગ્દર્શન કર્યું. વર્ષો પહેલા દૂરદર્શન પર પ્રસારિત થતી તેમની ધર્મભૂમિ નામે સિરિયલના પાત્રો અને ડાયલોગ આજે પણ વડીલોના મોઢે અચૂક સાંભળવા મળે છે. "માણસ એક ઉખાણું",આટાપાટા, વારસદાર,તથા જાણીતા લેખક રજનીકુમાર પંડ્યાની નવલકથા પર આધારિત "લલિત લાડ" ના પટકથા સંવાદ લખ્યા હતા. તાજેતરમાં રિલીઝ થયેલ "કુંખ"નામે ગુજરાતી ફિલ્મનું પણ તેમણે  દિગ્દર્શન કર્યું છે.

મિત્રો,ગુજરાતી રંગભૂમિએ બહુ મોટા ગજાના કલાકારો આપ્યા છે,રચનાઓની ઉત્તમ અને મહામુલી ભેટ આપી છે,નાટકો આપ્યા છે પરંતુ અત્યાધુનિક્તાની દોડમાં ચાલતા આપણે સૌએ ઓરિજિનલ રંગભૂમિની વ્યાખ્યા બદલી નાંખી છે. આજે આપણે નિમેષ દેસાઈ જેવા રંગભૂમિના કલાકારને ગુમાવી દીધા ત્યારે એવા અનેક કલાકારો કે જેમના શરીરમાં લોહી નહીં પરંતુ રંગભુમિ વહે છે તેની પાસે જીવન જીવી શકે તેટલી સગવડ પણ નથી ત્યારે જિંદગી આખી રંગભૂમિના માધ્યમથી લોકોને હસાવનાર આવા કલાકારોના ચહેરા પર સ્મિત લાવવું એ હવે આપણી નૈતિક ફરજ છે. નિમેષ ભાઈ આજે આપે અચાનક વિદાય લીધી પરંતુ આપના કાર્યની સુવાસ કાયમ લોકહૃદય સમ્રાટ રહેશે તેવી ચોક્કસ આશા છે.  

કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)    
Recent Story

Popular Story