ગુજરાત માટે રાહતના સમાચાર, હવે ઓખી વાવાઝોડું નહીં મચાવે તબાહી

By : HirenJoshi 02:01 PM, 05 December 2017 | Updated : 03:57 PM, 05 December 2017
ગાંધીનગરઃ ગુજરાતના શ્વાસ અધ્ધરતાલ કરનાર ઓખી વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર મળ્યા છે. ઓખી વાવાઝોડામાં ગુજરાત માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓખી વાવાઝોડાની તિવ્રતા સમુદ્રમાં ઘટી છે. હાલમાં ઓખી ગુજરાતના કિનારાથી 462 કિ.મી. દૂર છે. સાંજે 6 કલાકે ગુજરાતના કિનારે પહોંચી શકે છે. જેને લઇ દક્ષિણ સુરત, વલસાડ, નવસારીના કિનારે પહોંચશે. 

મહત્વનું છે કે, ઓખીને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને બીજી રેસ્ક્યૂ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સુરતમાં સાંજે લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે સુરત, વલસાડ અને નવસારીના ગામોને એલર્ટ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની તિવ્રતા ઘટી હોવા છતાં પણ સુરતના ઓલપાડ અને સુવાલીમાં NDRFની 1-1 ટિમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે દરિયા કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરિયા કિનારે આવેલ મોર, ભગવા, પીંજર, સુવાલી, હજીરા અને ડુમ્મસને એલર્ટ કરવામાં આવ્યા છે.

સુરતમાં સાંજે 7 વાગ્યાથી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને 4 વાગ્યા બાદ ઘરથી બહાર ન નિકળવા માટે સૂચના પણ આપવામાં આવી છે. સુરતમાં વાવાઝોડાના કારણે પવન અને વરસાદ પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત લોકોને રસ્તા પર હોર્ડિગ અને વીજ પોલ નીચે ઉભા ન રહેલા માટે પણ સૂચના આપવામાં આવી છે.Recent Story

Popular Story