નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ પદની ખુરશી માટે હજુ પણ થોડા સમય રાહ જોવી પડી શકે છે. સંગઠન ચૂંટણી માટે નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ ઓક્ટોબર મહિનાના અંત સુધી રાહુલ ગાંધીન અધ્યક્ષ બની જવા જોઈતા હતા. જો કે હવે તે મુશ્કેલ લાગી રહ્યું છે. ચૂંટણીના શિડયુલને મંજૂરી આપનારી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ પણ લગભગ 10થી 12 દિવસનો સમય રાહુલ ગાંધીની તાજપોશીમાં લાગી શકે છે.
આશા એવી પણ છે કે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક આગામી કેટલાક દિવસોમાં બોલાવાઈ શકે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ સોનિયા ગાંધી પાસે નવા અધ્યક્ષની ચૂંટણી માટે શિડયુલ તૈયાર છે. જેના પર તેમને મહોર લગાવવાની છે. બાદમાં કોંગ્રેસ કાર્ય સમિતિ તેના પર મંજૂરી આપશે અને ચૂંટણી જાહેર કરવામાં આવશે.
રાહુલની તાજપોશી નવેમ્બર સુધી ખેંચવા પાછળ અનેક કારણો છે. પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધી ઈચ્છે તો આ કામ નક્કી કરેલા સમયથી પૂર્વે પણ થઈ શકે છે. આ પહેલા ચર્ચા હતી કે દિવાળી બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાશે. પરંતુ હજુ સુધી તારીખો જાહેર થઇ નથી.
પાર્ટીના કેટલાક લોકોનો એક મત એવો પણ છે કે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીની તાજપોશી માટે પસંદગી થશે. તો અંદરખાને કેટલાક નેતાઓ શુભ મુહૂર્તની રાહ જોવાની વાત પણ કહી રહ્યા છે. એટલે કે 31 ઓક્ટોબર સુધી પૂર્ણ થનારી રાહુલ ગાંધીની તાજપોશીની પ્રક્રિયા હવે નવેમ્બર સુધી ખેંચાઈ શકે છે.