VIDEO:પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરના 50 ટેન્ટમાં આગ,3 કિશોરી ભડથું

By : kavan 07:41 AM, 13 January 2018 | Updated : 11:44 AM, 13 January 2018
રાજકોટના ઉપલેટા પાસેના પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં 3 શિબિરાર્થી કિશોરી ભડથું થઇ ગઇ હતી. જયારે 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 

મળતી વિગત મુજબ  50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સુતી હતી ત્યાં આગ લાગી હતી. રાત્રિના 1:30 કલાકે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. 

આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. લગભગ એક કલાકથી વધુ અફરા-તફરીનો માહોલ રહ્યો હતો. આગ લાગતાંની સાથે જ કિશોરીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ તો સલામત સ્થળે ખસેડી હતી. 

આ બનાવની જાણ થતાં રાજકોટના કલેકટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ મોડી રાત્રિના પ્રાંસલા પહોંચ્યા હતા. ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા તેમજ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઇ હતી તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.અને ઇજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી હતી.  

ઉલ્લેખનિય છે કે પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે.પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર શરૂ થાય તેના થોડા દિવસો પહેલાં જ આર્મી અને નેવીના જવાનો પ્રાંસલા આવી પહોંચે છે. ગત શુક્રવારથી શિબિર શરૂ થઇ ત્યારથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા. 

શુક્રવારે રાત્રે આગ લાગી તેની સાથે જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ જે વિદ્યાર્થિનીઓ આગમાં ફસાઇ હતી તેને બચાવીને સલામત સ્થળે લઇ જવાની કામગીરી પણ કરી હતી અને આ કારણોસર જ આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો અને વધારે જાનહાની થતાં અટકી હતી.  
 



Recent Story

Popular Story