તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુની સ્પાય ફિલ્મ સ્પાયડરની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ફિલ્મ તેલુગુ તમિલ અને મલયાલમ ભાષામાં તો રિલીઝ થઈ ચૂકી છે પણ હિન્દી ભાષાના ચાહકો માટે સારા સમાચાર નથી. સ્પાયડરના હિન્દી વર્ઝન માટે હજી લાંબી રાહ જોવી પડશે.
ગઝની જેવી સુપરહિટ ફિલ્મ આપનારા ડિરેક્ટર એ.આર.મુરુગદોસ નથી ઈચ્છતા તે તેમની આ ફિલ્મની સરખામણી કોઈ બાહુબલી સાથે કરે. હિન્દી વર્ઝન રિલીઝ કરતાં પહેલાં તેઓ આ ફિલ્મ માટે દર્શકોમાં ઉત્સુક્તા વધારવા ઈચ્છે છે.
મહેશ બાબુએ આ ફિલ્મમાં ઈન્ટેલિજન્સ ઓફિસર શિવાનો રોલ કર્યો છે. આ ફિલ્મથી પ્રિન્સના હુલામણા નામથી જાણીતા મહેશ બાબુની તમિલ ભાષામાં પણ એન્ટ્રી થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે સ્પાયડર ફિલ્મના એક ચેઝ સીનનું શુટિંગ અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક કરવામાં આવ્યું છે.
120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને રિસ્પોન્સ જોયા પછી જ હિન્દી ભાષામાં ડબ કરવામાં આવશે તેવું ફિલ્મના નિર્માતા સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યાં છે. સાઉથની ફિલ્મોની ડિમાન્ડ સતત વધી રહી છે ત્યારે મહેશ બાબુ અને ડિરેક્ટર મુરુગદોસ કોઈ જોખમ લેવા તૈયાર નથી. મહેશ બાબુના કરિયરની આ સૌથી ખર્ચાળ ફિલ્મ પણ ગણાય છે.
શરૂઆતમાં આ ફિલ્મનું હિન્દી વર્ઝન પણ તેલુગુ અને તમિલ વર્ઝન સાથે જ રિલીઝ કરવાની યોજના હતી પણ આ ફિલ્મનો હાઈપ જોતાં નિર્માતાઓએ સેઈફ ગેમ રમવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મની પ્રેરણા ડિરેક્ટરને હોલિવૂડની હિટ ધ ડાર્ક નાઈટમાંથી મળી હોવાનું પણ કહેવાય છે. સ્પાયડરનો વિલન સાઈકોપાથ અને ઝનૂની બતાવવામાં આવ્યો છે. એસ.જે. સૂર્યાએ વિલનના રોલમાં અદ્ભૂત અભિનય આપ્યો છે.
આ ફિલ્મને સાઉથમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને તે જોતાં હવે હિન્દી વર્ઝન માટેના દરવાજા ખુલી ગયાં છે એમ કહી શકાય. આ ફિલ્મના એક વીકના બિઝનેસ બાદ હિન્દી વર્ઝન અંગેનો અંતિમ નિર્ણય લેવાશે અને તેની ધૂમ પબ્લિસિટી પણ કરવામાં આવશે. આ માટે અગાઉથી જ મહેશ બાબુને કહેવાઈ ગયું છે.