આજે જાપાનના પીએમ શિંઝો આબેનુ એરપોર્ટથી સાબરમતિ આશ્રમ સુધી ભવ્ય સ્વાગત

By : HirenJoshi 07:20 AM, 13 September 2017 | Updated : 12:54 PM, 13 September 2017
અમદાવાદ: ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ દેશના વડાપ્રધાન સીધા ગુજરાત આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીને સાઇડ કરીને જાપાનનાં વડાપ્રધાન અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવી રહ્યા છે. બુધવારે બપોરે ૩-૩૦ વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં ખુદ ભારતના પીએમ નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે.

જાપાનના પીએમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ સુધી ગુજરાત અને ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવાશે. બન્ને પીએમ અંદાજિત ૮ કીલોમીટરનાં લાંબા રસ્તા પર રોડ શો કરશે.

આ રસ્તા પર અનેક જગ્યાએ નાના-નાના સ્ટેજ ઉભા કરાયા છે. જ્યાં નાના ભૂલકાંઓથી માંડીને મોટી ઉંમરના કલાકારો પોતાની કલા રજૂ કરશે. રોડની બન્ને બાજુએ નાગરીકો ઉભા રહીને આવકાશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર અનેક જગ્યાએ જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાને પ્રદર્શિત કરી જેને લઇ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભવ્ય સ્વાગત થયા બાદ બન્ને પીએમ સાંજે ૫ થી ૫-૩૦ વાગ્યાની નજીક ગાંધી આશ્રમમાં પહોંચશે જ્યાં થોડો સમય વિતાવશે. ત્યારબાદ જાપાનના વડાપ્રધાન વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હૈયાત લઇ જવાશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનેક્સી સરકીટ હાઉસ જશે.

સાંજે ૭ વાગ્યાની આસપાસ બન્ને દેશના વડાપ્રધાનો લાલ દરવાજામાં આવેલી ઐતિહાસિક એવી સીદી સઇદની જાળીની મુલાકાત લેશે. અને હમણા થોડા સમય પહેલા જ સીદી સૈયદની જાળીને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે.
આ સ્મારકની મુલાકાત બાદ બન્ને વડાપ્રધાનો તેની સામે આવેલી હોટેલમાં જશે. જ્યાં બંધબારણે બન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે. જેમાં કેટલાક અધિકારીઓ પણ હાજર રહેશે. બન્ને મહાનુભાવો અહીં જ રાત્રીનું ભોજન લીધા બાદ રાત્રીના લગભગ ૯-૩૦ વાગ્યાની આસપાસ છૂટા પડશે. જાપાનના વડાપ્રધાન હોટેલ હૈયાત ખાતે જ્યારે નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રાજભવન ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે. બીજે દિવસે સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ સાબરમતી રેલવે સ્ટેશનનાં એથ્લેટીક ગ્રાઉન્ડમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન બન્ને વડાપ્રધાનો દ્વારા કરાશે.Recent Story

Popular Story