અમદાવાદ: એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે GST લાગૂ થયા બાદ ક્રેડિટ કાર્ડથી થતી ચુકવણી પર ડબલ ટેક્સ લાગી રહ્યો છે. જીએસટી લાગૂ થયા બાદ અવનવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે ક્રેડિટ કાર્ડથી તમે યુટિલિટી બિલ પેમેન્ટ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આવો એક મેસેજ આજકાલ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુટિલિટી બિલની ચુકવણી જો ક્રેડિટ કાર્ડથી કરવામાં આવશે તો તેના પર ડબલ ટેક્સની ચુકવણી કરવી પડશે.
વાયરલ થયેલો મેસેજ એટલા માટે ચોંકાવનારો છે કારણ કે ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. તેવામાં અમુક લોકો સમયસર ક્રેડિટ કાર્ડનું ઉધાર ન ચુકવી શકતા વધુ દંડ ભરવું પડે છે. ત્યારે જીએસટી લાગૂ થતા આ દંડની રકમ વધી ગઇ છે. એટલે કે જો તમે 10 હજારની ચુકવણી કરો છો અને જો સમયસર પૈસા પાછા બેન્કને ચુકવી ન શકો તો પહેલા 1500 રૂપિયા દંડ પેટે આપવા પડતા હતા. પરંતુ હવે 18 ટકા જીએસટી લાગૂ થતા 1800 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને આવી સ્થિતિમાં જો તમારી પાસે ડબલ ટેક્સનો આ મેસેજ આવે તો કોઇને ચિંતા થઇ શકે છે.
વાયરલ મેસેજનો દાવો છે કે ટેલિફોન બિલ વિજળી ગેસ કે મોબાઇલ બીલની ચુકવણી ક્રેડિટ કાર્ડથી કરવાનું ટાળવું જોઇએ. તમે ડબલ GSTની ચુકવણી કરી રહ્યા છો. એક સર્વિસ માટે અને બીજું ક્રેડિટ કાર્ડની રકમ પર. તેથી કેશ કે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીએ. આમ વાયરલ થયેલ મેસેજથી ઘણા લોકોના મનમાં શંકાકુશંકાઓ છે કે સાચી હકીકત શું છે ?
ઇન્ટરનેટ પર વાયરલ થયેલ મેસેજ વિશે વીટીવી દ્વારા પડતાલ કરવામાં આવી ત્યારે રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાનું એક ટ્વિટ મળી આવ્યું હતું. આ ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી અફવા ખોટી છે.
હસમુખ અઢિયાએ કહ્યું કે સોશિયલ મીડિયામાં એક ખોટો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ક્રેડિટ કાર્ટથી યુટિલિટી બિલની ચુકવણી કરતા તમને ડબલ GSTની ચુકવણી કરવી પડશે. તે તદ્દન ખોટું છે મહેરબાની કરી સરકારી સ્તરે પુછપરછ કર્યા વિના મેસેજ ફોરવર્ડ કરશો નહીં.
અહીં એક વાત એ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે બ્રોડબેન્ડ મોબાઇલ પાઇપવાળું ગેસ બીલ એલપીજી સિલિન્ડર જેવા અમુક યુટિલિટી બિલ મોંઘા થયા છે. જેમાં એલપીજી પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. પહેલા દિલ્હી સહિતના મોટાભાગના રાજ્યો પર્યાવરણને અનુકૂળ ઇંધણ પર ટેક્સ વસુલતા ન હતા. તેમજ અમુક રાજ્યોમાં 2 થી 4 ટકા વેટ લગાવવામાં આવતું હતું.
જીએસટી લાગૂ થયા બાદ બ્રોડબેન્ડ અને મોબાઇલ બિલ પણ મોંઘુ થયું છે. ટેલિકોમ સર્વિસીઝને 18 ટકા ટેક્સના સ્લેબમાં રાખવામાં આવ્યું છે. જેના પર પહેલા 15 ટકા ટેક્સ લાગતો હતો. આ સાથે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પણ મોંઘુ થયું છે. પરંતુ આ બધુ વાતમાં ડબલ ટેક્સ ક્યાંય પણ આવતું નથી.
સોશિયલ મીડિયામાં એક ખોટો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ક્રેડિટ કાર્ટથી યુટિલિટી બિલની ચુકવણી કરતા તમને ડબલ GSTની ચુકવણી કરવી પડશે. તે તદ્દન ખોટું છે મહેરબાની કરી સરકારી સ્તરે પુછપરછ કર્યા વિના મેસેજ ફોરવર્ડ કરશો નહીં.
- ડો. હસમુખ અઢિયા રેવેન્યૂ સેક્રેટરી
આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઇ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે.