પ્રજાસત્તાક દિવસથી હુ દારુનો ધંધો કરીશ: બેરોજગાર યુવાન

By : HirenJoshi 07:35 AM, 05 October 2017 | Updated : 07:35 AM, 05 October 2017
અમદાવાદ: ગુજરાતમાં બેકારી એ હદે વધી ગઇ છે કે યુવાનો અને યુવતીઓ આડામાર્ગે જવા માટે પ્રેરાઇ રહ્યા છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાછૂટકે અને ધરાર 'ગોરખધંધા' કરવા માટે તૈયાર થઇ જાય છે. કચ્છ-ભૂજમાં એમ.એ. બીએડ થયેલા યુવાન બિપિનચંદ્ર દેવરાજે પણ બેરોજગારીથી તંગ આવી જઇને જાહેરમાં રોડ પર દેશી દારૃ વેચવાનું નક્કી કર્યું છે. તેમજ કચ્છ-ભૂજના જિલ્લા કલેકટરને આ અંગે એક પત્ર પણ આપ્યો છે.

આ પત્રમાં યુવાને જણાવ્યું છે કે, હું પોલીયોગ્રસ્ત અસહાય છું. માંડ માંડ ભણ્યો હતો. હવે નોકરીની રાહ જોઇ રહ્યો છું. મેં અનેક જગ્યાએ અરજીઓ મોકલાવી છે. પણ નોકરી મળી નથી. લગ્ન બાદ હવે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે.

કલેકટરને લખ્યું છે કે નાપાક મોદી સરકાર જાત-જાતની નાટકબાજી કરી લોકોને મૂર્ખ બનાવી રહી છે. અનેક પ્રકારનાં તાયફાઓ કરવામાં આવે છે. અચ્છે દિન આયેંગેના સૂત્રની જગ્યાએ પ્રજા બૂરે દિન જોઇ રહી છે.

યુવાને વધુમાં લખ્યું છે કે હવે મારી ધીરજ ખૂટી ગઇ છે. ૨૬મી જાન્યુઆરીથી જાહેરમાં દેશી દારૃ વેચવાની શરૃઆત કરીશ. પોલીયો હોવાથી મજૂરી કરી શકું તેમ નથી. આજ દિન સુધી મારું કુટુંબ તમામ વ્યસનોથી દૂર રહ્યું છે. પણ હવે હું દારૃનો વેપલો કરીશ.

લોકશાહીને ઘોળીને પી જનારા મોદી લોકોને ઉલ્લુ સમજતા હોય તો તેમની મહાન ભૂલ છે. બંધારણ મુજબ મને રોજી-રોટી મેળવવાનો અધિકાર છે. સરકારે હવે વાયબ્રન્ટ સહિતનાં તાયફા બંધ કરીને બેરોજગારોને રોટલો મળે તેવું આયોજન કરવું જોઇએ.

આ પત્રની નકલ ડીએસપી, ગાંધીધામ મામલતદાર, પીઆઇ, વડાપ્રધાન વગેરેને મોકલાઇ છે. કોપીની અંદર રિસિવનો સિક્કો પણ લગાવ્યો છે.
Recent Story

Popular Story