રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે. એવામાં બનાસકાંઠાના થરાદમાં પણ એક રાહદારીનું ટ્રક નીચે કચડાતા મોત થઇ ગયું છે. થરાદ ચાર રસ્તા પાસે આ રાહદારી યુવાનનું મોત થયું હતું.
ઘટનાની હકીકત એવી છે કે થરાદ ચાર રસ્તા પાસે યુવક ઉભેલો હતો તે જ સમયે ટ્રક અચાનક આવી અને તેને અડફેટે લઈ લીધો હતો. ટ્રકની અડફેટમાં આવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ટ્રક ડ્રાઈવર યુવકને ટક્કર માર્યા પછી પણ ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.
જો કે આ અકસ્માતના દ્રશ્યો CCTV ફૂટેજમાં કેદ થઈ ગયા છે. આ મામલે પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધી ટ્રક ડ્રાઈવરની શોધખોળ ચાલુ કરી છે. ફૂટેજ જોતા એવું માલૂમ થઈ રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરે પોતાનો સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક અચાનક રોડ સાઈડમાં જતા યુવક કચડાઈ ગયો હતો.
પાલનપુરમાં પણ અકસ્માત મહિલા ઈજાગ્રસ્ત
બનાસકાંઠાના જ પાલનપુરની ધનિયાણા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપ વચ્ચે ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપમાં બેઠેલી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.