|
-પ્રજ્ઞેશ શુક્લ
ટોમ ક્રૂઝની ધૂમ મચાવનારી એક્શન સ્પાય ફિલ્મ ‘મિશન ઇમ્પૉસિબલ-2’માં બાયો-કેમિકલ એક્સપર્ટ ડૉ. વ્લાદિમિર નેખોર્વિચ ઇમ્પૉસિબલ મિશન ફોર્સના જાંબાઝ એજન્ટ ઈથન હંટને સંબોધીને કહે છે, “Every search for a Hero must begin with something that every hero requires: A Villain.” વાત સાચી પણ છે. નાયકની તલાશની શરૂઆત હંમેશા તેના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી એવા ખલનાયક સાથે જ થાય છે. ખલનાયક જ ના હોય તો નાયકનું કોઈ મહત્વ કે મજા રહેતા નથી. આ હકીકત સ્વીકારી લો કે તેનો વિરોધ કરો, પરંતુ તે બદલાવાની નથી. માણસનો મૂળ સ્વભાવ જ એવો છે કે તેને નેગેટિવિટિ એટલે કે નકારાત્મકતા આકર્ષે જ છે. એટલું વિચારો કે, ગબ્બર ના હોય તો ઠાકુર અને જય-વીરૂ કે કાંચા ચીના ના હોય તો વિજય દિનાનાથ ચૌહાણ હોત ખરા?
હોલિવૂડના ખ્યાતનામ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ડાર્ક નાઈટ ટ્રાયોલોજી’ની સર્વશ્રેષ્ઠ ગણાતી ફિલ્મ ‘ધ ડાર્ક નાઈટ’માં જોકરની ફિલોસોફી આ જ છે. તે પોતાના સૌથી મોટા દુશ્મન બેટમેનને કહે છે કે, “હું તને મારવા ઈચ્છતો નથી. તારા વિના હું શું કરીશ? તું મને (મારા અસ્તિત્વને) પૂર્ણ કરે છે.”
ફિલ્મો કે સાહિત્યમાં જ્યારે કોઈ વિલનનું પાત્ર શક્તિશાળી દર્શાવાય છે ત્યારે નકારત્મકતાને ગ્લૉરિફાઇ કરાતી હોવાની દલીલ કરવામાં આવે છે, પણ સર્જક હકીકતમાં તો લોકો જે પસંદ કરે છે (અથવા તો જે ચાલે છે) તે જ વિષયવસ્તુ પીરસતાં હોય છે. માર્વેલ અને ડીસી કોમિક્સના વિલન એટલે જ સુપરહિરોને પળેપળ હંફાવતા અને બરોબર ટક્કર આપતા જ હોય છે. કંઈક દમ તો હશે જ આ વાતમાં કે માસૂમ લોકોનો વિશ્વાસ જીતીને તેમને મોતને ઘાટ ઉતારતા ક્રૂર ખલનાયક અમીરઅલી ઠગના જીવન પર આધારિત ફિલ્મ આજે બની રહી છે, જેમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજો કામ કરી રહ્યાં છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, યાદગાર રોમૅન્ટિક ફિલ્મો માટે જાણીતા યશરાજ બેનરે આ ફિલ્મનું નિર્માણ હાથ ધર્યું છે. યશરાજની જ ‘ધૂમ સીરિઝ’ની તમામ ફિલ્મના નાયકો ‘ગ્રે શેડ્સ’ ધરાવતા હોય છે.
બોલિવૂડના ટોચના મોટાભાગના અભિનેતાઓ ક્યારેક ને ક્યારેક નેગેટિવ કે ગ્રે શેડ્સવાળા રોલ પર હાથ અજમાવી ચૂક્યા છે. આશુતોષ રાણાની ‘દુશ્મન’ અને ‘સંઘર્ષ’ ફિલ્મ ભલે આજે બહુ ઓછા લોકોને યાદ હોય પણ પોસ્ટમેન ગોકુલ પંડિત અને લજ્જાશંકર પાંડેના પાત્રને દર્શકો ક્યારેય નહીં ભૂલે. આશુતોષે એક વખત એક મુલાકાતમાં કહ્યું હતું કે, “હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કદાચ એકમાત્ર એવો કલાકાર છું, જે નેગેટિવ રોલ પણ પૂરા પોઝિટિવ ઍટિટ્યૂડ સાથે કરવામાં માનું છું.”
ઈમરાન હાશ્મી આ પ્રકારના ગ્રે શેડ્સ ધરાવતા રોલ કરવા માટે જાણીતો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મને હંમશા ગ્રે શેડ્સવાળા રોલ વધુ આકર્ષે છે કેમ કે, હું તેને રિયાલિટીની વધુ નજીક માનું છું. આખરે આપણે બધા જ જીવનમાં ભૂલો કરીએ જ છીએ અને આપણને ત્યાં સુધી ખરાબ ન કહી શકાય, જ્યાં સુધી આપણે આપણી ભૂલો સુધારતા રહીએ છીએ. દરેક વ્યક્તિ જિંદગીમાં ભૂલો કરે છે અને તેમાંથી જ શીખે છે. મારા ગ્રે શેડ્સવાળા રોલ જિંદગીની સચ્ચાઈ છે.”
મનોવિજ્ઞાનીઓના મત અનુસાર સામાન્ય માણસ પોતાની અસલી જિંદગીમાં જે સાહસ (ક્યારેક દુ:સાહસ), હિરોગીરી (ક્યારેક ગુંડાગીરી પણ!) કે પરાક્રમ, રોમાન્સ વગેરે સહજતાથી કરી શકતો નથી તે બધું પુસ્તકના પાનાં પર કે ફિલ્મના પરદે કોઈને કરતા જોવાનું વધુ પસંદ કરે છે. આ કારણે જ મોટાભાગના લોકો વિલનના દમદાર ડાયલોગ્સ પર પણ સીટી વગાડતા હોય છે.
વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકન ‘ફેક્ટ ટેન્ક’ ગણાતા પ્યુ રિસર્ચ સેન્ટર ફોર પીપલ એન્ડ પ્રેસ દ્વારા એક રસપ્રદ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. લોકોને નકારત્મકતા કેમ આકર્ષે છે તેના કારણો જાણવાની વિજ્ઞાનીઓએ એક કોશિશ કરેલી. ૧૫૦થી પણ વધુ દેશોના લોકોને આવરીને હાથ ઘરાયેલા આ સર્વેમાં સામે આવ્યું કે, મોટાભાગના લોકો ભલે પોઝિટિવ વાતો કે વિચારોને જ પસંદ કરતા હોવાના દાવાઓ કરતા હોય પરંતુ હકીકત તો સાવ જુદી જ છે. લોકોએ કબૂલ્યું હતું કે તેમને રોજ સવારે કુદરતી હોનારત, આતંકવાદ, અપરાધ, કૌભાંડો અને ભ્રષ્ટાચારના સમાચારો વધુ આકર્ષે છે. મીડિયા ઉપર ભલે વારે તહેવારે નેગેટિવ ન્યૂઝનો મારો ચલાવવાનો આરોપ મૂકાતો હોય પણ લોકોને આ પ્રકારના સમાચારોમાં જ રસ પડે છે અને આ રસને જોતાં મીડિયા પણ તેનું વલણ નક્કી કરતું હોય છે.
‘જેમ્સ બોન્ડ સીરિઝ’ની ૧૮મી ફિલ્મ ‘ટુમોરો નેવર ડાઈઝ’માં સનકી મીડિયા મોગલ એલિયટ કાર્વર તેની ટીમને સંબોધીને એક અદભૂત વાત કહે છે, “ધેર ઈઝ નો ન્યૂઝ, લાઈક બૅડ ન્યૂઝ!” લોકો સુધી નેગેટિવ ન્યૂઝ પહોંચાડવાની લ્હાયમાં આ જિનિયસ પાગલ ‘ઑલ્માઇટી’ બનવાનું નક્કી કરે છે અને ખરાબ સમાચાર મળે નહીં તો તેને ક્રિએટ કરવાના ઝનૂનમાં વિશ્વયુદ્ધની સ્થિતિ ઊભી કરી દે છે.
તમારા મનના ખૂણે પડેલી, ધરબાયેલી કોઈ નકારાત્મક્તા તમને તેના તરફ આકર્ષી જ લે છે. સદીઓથી આ માનવ સહજ સ્વભાવ રહ્યો છે અને હજી તેમાં કોઈ મોટા પરિવર્તન લાવી શકાયા નથી. ફક્ત એટલું ધ્યાન રાખવાનું રહ્યું કે આ નેગેટિવિટી આપણા માનસ પર હદથી વધુ સવાર ન થઈ જાય અને ક્યાંક આપણે જ ‘વિલન’ ન બની જઈએ.
પ્રજ્ઞેશ શુક્લ, સમભાવ મેટ્રો ન્યૂઝ પેપરનાં એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)
|