છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ નહી હોનાના લીધે બફારો વધ્યો છે ત્યારે હવામાન વિભાગે 10 અથવા 11 સપ્ટેમ્બરથી ફરીથી ગુજરાતમાં વરસાદ શરૂ થવાની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ હાલ રાજ્ય પર કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ નજીકના સમયમાં જ બંગાળની ખાડી પર અપર એર સર્ક્યુલેશન સક્રિય બનતા 10 અથવા 11 સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડવાનું શરૂ થશે.
જોકે વરસાદની તિવ્રતા હવે પહેલા જેવી નહી હોય. આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ થશે. 10 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. અત્યારસુધીમાં સીઝનનો કુલ 105 ટકા વરસાદ પડી ગયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે થયેલ અતિભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતા અને ગુજરાત સહિત દેશનાં કેટલાક રાજ્યોમા ભયંકર પુરની સ્થિતી સર્જાવા પામી હતી ત્યારે આગામી સમયમાં પડનાર વરસાદને કારણેં કોઇ આફત ના આવી પડે તેવુ પ્રજા અને તંત્ર પણ આશા રાખીને બેઠું છે ત્યારે આવનાર સમય પર સૌ કોઇ મીટ માંડીને બેઠા છે.
|